વલસાડઃ શહેરની યુવતીને ફેસબૂક પર અજાણી વ્યક્તિની ફ્રેન્ડ રિક્વેસ્ટ એક્સેપ્ટ કરવી ભારે પડી ગઈ છે. ફેસબૂક ફ્રેન્ડે યુવતીને મેસેન્જરમાં મોર્ફ કરેલી અશ્લીલ તસવીરો મોકલીને યુવતી પાસે તેની નગ્ન તસવીરોની માંગણી કરી હતી તેમજ યુવતી ઇનકાર કરે તો ફેસબૂકમાં ફોટા વાયરલ કરીને બદનામ કરવાની ધમકી આપી હતી. જોકે, યુવતીએ પોલીસ ફરિયાદ કરતાં આરોપીની ધરપકડ કરવામાં આવી છે.


આ અંગે મળતી વિગતો પ્રમાણે, ગત જાન્યુઆરી માસમાાં માનસી મોદીના નામના ફેસબૂખ એકાઉન્ટમાંથી વલસાડની યુવતીને ફ્રેન્ડ રિક્વેસ્ટ મળી હતી. યુવતીએ માનસી નામ હોવાથી યુવતી હોવાનું જાણીને ફ્રેન્ડ રિક્વેસ્ટ એક્સેપ્ટ કરી લીધી હતી. દરમિયાન ગત 13 જાન્યુઆરીએ આ એકાઉન્ટમાંથી પર્સનલ ફેસબુક એકાઉન્ટમાં મેસેન્જરથી મેસેજ આવ્યો હતો. જેમાં યુવતીને તેણે પોતાના પેજમાં મૂકેલા ફોટા મોર્ફ કરીને અશ્લીલ ફોટા મોકલ્યા હતા. તેમજ યુવતી પાસે તેના નગ્ન ફોટા માંગવામાં આવ્યા હતા. જો ફોટા ન આપે તો મોર્ફ કરેલા અશ્લીલ ફોટા વાયરલ કરી દેવાની ધમકી આપી હતી.

આમ, આ પ્રકારની માંગણી થતાં યુવતી ડરી ગઈ હતી. જોકે, યુવતીએ હિંમત કરીને વલસાડ રૂરલ પોલીસમાં ફરિયાદ કરતાં પોલીસે ગાંધીનગરના પેથાપુરના કિર્તિકુમાર વાઘેલા નામના આરોપીની ધરપકડ કરી લીધી છે. આરોપી એફબી પર માનસી મોદી નામની મહિલાના નામથી એકાઉન્ટ ખોલી બ્લેક મેઈલ કરતો હતો. આરોપી વિરુદ્ધ ગાંધીનગરમાં પણ અગાઉ ગુનો નોધાઇ ચુક્યો છે.