સુરત: સુરતમા બોગસ લોન કૌભાંડનો પર્દાફાશ થયો છે. હયાત ન હોય તેવા વાહનોના નામે યસ બેંકમાંથી કરોડો રૂપિયાની લોન લઈ 9 કરોડની ઠગાઈ કરવામાં આવી છે.
આ મામલે સરથાણામાં બોગસ નંબર પ્લેટ કૌભાંડના સૂત્રધાર ઈર્શાદ પઠાણ સહિત 5 લોકો ઝડપાયા છે. તમામને 22મી જાન્યુઆરી સુધી રિમાન્ડ પર મોકલાયા છે. જ્યારે હજી 15 આરોપી ફરાર છે.


ભેજાબાજોએ અરૂણાચલમાં ભૂતિયા વાહનો નોંધાવી યસ બેંકમાંથી લોન લીધી હતી. વર્ષ 2016થી 2018ના ગાળામાં 20 આરોપીઓએ કુલ 53 વાહન પર લોન લીધી હતી. આરોપી ટોળકીએ કુલ 8.64 કરોડ રૂપિયાની લોન લઈ 5.35 કરોડની ભરપાઈ કરી નહીં.

આ સમગ્ર કેસમાં સહારા દરવાજાની યસ બેંકના મેનેજરે સુમિત ભોસલેએ ટોળકી સામે ફરિયાદ નોંધાવી છે. બોગસ નંબર પ્લેટ કૌભાંડના સૂત્રધાર ઈર્શાદ પઠાણની પુછપરછ અને તપાસ કરતા સમગ્ર કૌભાંડનો ભાંડો ફૂટ્યો છે. એક વાહન પર લોન પાસ કરાવી આપવાના 3 થી 4 લાખ રૂપિયા લેતો હતો.