હવામાન વિભાગની ભારે વરસાદની આગાહીના પગલે સુરત જિલ્લાના ચેરાપુજી ગણાતા ઉમરપાડા તાલુકામાં બપોરે 2 કલાકમાં જ આભ ફાટ્યુ હોઈ તેમ અધધધ 11 ઈંચ વરસાદ ઝીંકાતા પાણીની રેલમછેલ થઈ ગઈ હતી. રસ્તાઓ, ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયા હતાં. માંગરોળ તાલુકામાં પણ ચાર કલાકમાં સાડા પાંચ ઇંચ વરસાદી પાણી પડ્યુ છે.


ફલંડ કંટ્રોલના પ્રવક્તના જણાવ્યા પ્રમાણે, સપ્ટેમ્બર મહિનાની શરૂઆત સાથે જ મેઘરાજા શાંત થઈ ગયા હતા.ધોધમાર વરસાદના બદલે છુટોછવાયો વરસાદ નોંધાતો હતો. જોકે હવામાન વિભાગ દ્વારા 48 કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ હતી. જેમાં કેટલાક પોકેટમાં દેમાર વરસાદ વરસી શકે તેમ છે. આ આગાહી વચ્ચે સુરત જિલ્લાના હવામાનમાં પલ્ટો આવ્યો હતો. વાદળછાયુ વાતાવરણ નોંધાયું હતું. બપોર સુધીમાં છુટોછવાયા વરસાદના ઝાપટા પડતા હતા.

જોકે બપોર બાદ મેઘરાજા આક્રમક બન્યા હતા. જેમાં ઉમરપાડા તાલુકામાં બપોરે 2થી 4ના બે કલાકમાં જ મેઘરાજા આક્રમક બનીને વરસતા 11 ઈંચ વરસાદ ખાબકતા તાલુકો પાણીથી તરબોળ થઇ ગયો હતો. આ સિવાય માંગરોળ તાલુકામાં બપોરે 12 થી 4 વાગ્યા સુધીના ચાર કલાકમાં સાડા પાંચ ઇંચ વરસાદ નોંધાયો હતો. ઓલપાડ અને પલસાણા તાલુકાને બાદ કરતા બાકીના તાલુકામાં મેઘરાજા વરસ્યા હતા. સુરત શહેરમાં પણ વાદળીયા હવામાન વચ્ચે સામાન્ય વરસાદના ઝાપટા પડયા હતા.

ઉમરપાડામાં 11.00 ઈંચ, માંગરોળમાં 5.50 ઇંચ, બારડોલીમાં 1.00 ઇંચ, મહુવામાં 0.75 ઇંચ અને કામરેજમાં 0.07 ઇંચ વરસાદ ખાબક્યો હતો.