સુરતઃ ગુજરાતમાં ભાજપ 100 નવા ચહેરાને તક આપશે એવા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલના નિવેદનના કારણે ગુજરાત ભાજપના ધારાસભ્યોમાં ફફડાટ છે. આ ફફડાટ વચ્ચે સી.આર. પાટિલે સ્પષ્ટતા કરી છે કે, મેં વર્તમાન ધારાસભ્યોને બદલવાની કોઈ વાત કરી નથી.
તેમણે કહ્યું કે, મેં કહ્યું હતું કે, ગુજરાત વિધાનસભામાં હાલમાં ભાજપ પાસે જે 70 બેઠકો નથી તેમના માટે નવા ચહેરા શોધવા પડશે. આ ઉપરાંત અને ગુજરાત વિધાનસભામાં હાલમાં ભાજપ પાસે 112 ધારાસભ્યો છે તેમાંથી કેટલાક નિવૃત્ત થતા હશે તેમને સ્થાને નવા ચહેરા શોધાશે. આમ કુલ મળી કુલ 100 જેટલ ચહેરા નવા હશે. હાલના પાર્ટીના કોઈ ચેહરા બદલવાની વાત નથી. તેમણે કહ્યું કે, જે વિસ્તારમાં નવા ચહેરા આવવાની શક્યતા છે તે વિસ્તારમાં લોકો સ્વીકારશે તેને ચાન્સ મળશે.
નોંધનીય છે કે થોડા દિવસ અગાઉ પેજ કમિટીના ક્રાયક્રમમાં સી.આર.પાટીલે નેતાઓને સંકેત આપતા જણાવ્યું હતું કે, આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના 100થી વધુ ધારાસભ્યોને પડતાં મુકાશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આગામી સમયમાં 100 નવા ચહેરાનો સમાવેશ કરવામાં આવશે. ટિકિટ માટે પહેલા સર્વે થાય છે અને ટિકિટ હાઈકમાન્ડ નક્કી કરે તેને આપવામાં આવે છે. પરંતુ આ વખતની ચૂંટણીમાં ધારાસભ્યોનું કામ જોવામાં આવશે, તેઓ લોકો સુધી પહોંચવામાં કેટલા સફળ થયા છે, તેમના વિસ્તારમાં કેટલા કામ કર્યા છે તે જોયા બાદ ટિકિટ નક્કી થશે. કોઇપણ પ્રકારની લાગવગશાહી નહી ચાલે.
સીઆર પાટિલે એ પણ સ્પષ્ટ કર્યું કે ટિકિટ આપવાનો નિર્ણય ઉપરના લેવલથી લેવાય છે. તેમણે ઉમેર્યું પણ હતું કે ટિકિટ આપતા પહેલા પાંચ થી છ વાર સર્વે કરાય છે અને ત્યાર બાદ જ ટિકિટ અપાય છે. હિંમતનગર ખાતે સોમવારના રોજ ભારતીય જનતા પાર્ટી દ્વારા પેજ પ્રમુખ કાર્ડ વિતરણ અને પેજ સમિતિ સંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ગુજરાત ભારતીય જનતા પાર્ટીમાં પેજ સમીતીના પ્રણેતા અને ગુજરાત પ્રદેશના અધ્યક્ષ સી.આર.પાટીલની અધ્યક્ષતા હેઠળ આ કાર્યક્રમ યોજાયો હતો.
સી.આર. પાટીલનો હિંમતનગર ખાતે ભવ્ય રોડ શો પણ યોજાયો હતો. ત્યાર બાદ પાટીલે પેજ પ્રમુખોને કાર્ડ વિતરણ કર્યુ હતું.પાટીલે કાર્યકરોને જુસ્સા સાથે સંબોધન કરતા જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીની તાકાત છે કાર્યકરો. તેઓની તાકાતને કારણે ભાજપ તમામ ચૂંટણીમાં પ્રચંડ જીત મેળવે છે.