સુરતઃ ખાડીમાં પૂર આવતાં પાણી સુરતના અનેક વિસ્તારોમાં ફરી વળ્યા છે, જેને કારણે શહેરના અનેક વિસ્તારો બેટમાં ફેરવાયા છે. છેલ્લા બે દિવસથી પૂરને કારણે સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. ગઈ કાલે પણ ગોડાદરા વિસ્તારની એક નવનિર્મિત બિલ્ડિંગમાં 50થી વધુ લોકો ફસાયા હતા. જોકે, તેમનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. ત્યારે આ પૂરમાં ફસાયેલા લોકોને છેલ્લા બે દિવસથી વિજય કુમાર ચોમાલ મદદ કરી રહ્યા છે. ત્યારે આવો જાણીએ આ વિજય કુમાર ચોમાલ કોણ છે.
વિજયકુમાર પ્રહલાદરાય ચોમાલ વોર્ડ નંબર 17 (ડુમ્ભાલ-પર્વત)ના ભાજપના કોર્પોરેટર છે. તેમજ કોર્પોરેશનમાં તેઓ સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય પણ છે. ગઈ કાલે તેમને ફોન આવ્યો હતો કે, પર્વત પાટિયા પોલોરાઇઝ માર્કેટમાં 69 લોકો ફસાયેલા છે. જેથી તેઓ તાત્કાલિક ત્યાં પહોંચી ગયા હતા. તેમજ ફાયર વિભાગની ટીમને પણ બોલાવી લીધી હતી. આ પછી તેમણે ફાયર વિભાગના જવાનો સાથે મળીને તમામ લોકોનું રેસ્ક્યૂ કરાવ્યું હતું.
તેઓ ભાજપના નેતા અને આરએસએસના સ્વયં સેવક પણ છે. તેઓ આજે પણ ખાડીપૂરને કારણે ઘરોમાં કેદ થયેલા અને ફસાયેલા લોકોની મદદે આવ્યા હતા. આજે સવારે તેઓ આરએસએસના સ્વયં સેવકો સાથે પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચ્યા હતા. તેમજ જરૂરિયાતમંદ લોકોને દૂધ અને જીવન જરૂરી વસ્તુઓનું વિતરણ કર્યું હતું.