સુરત : સુરતમાં નવી સિવિલ હોસ્પિટલ ફરી એક વખત ચર્ચામાં આવી છે. સુરત હોસ્પિટલમાં પુત્રની સારવાર કરાવવા માટે આવેલી મહિલાના માથા પર ચાલુ સીલીંગ ફેન તૂટી પડતા માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. આ ઘટના બાદ સુરત નવી હોસ્પિટલના તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે સુરત હોસ્પિટલના તમામ વોડમાં રહેલા લાઈટ અને પંખાની ચકાસણી કરી યોગ્ય કાર્યવાહી કરવા માટેના આદેશ પીઆઇયુ વિભાગને આપવામાં આવ્યા હતા.  


સુરત નવી સિવિલ હોસ્પિટલ સુરત સહિત દક્ષિણ ગુજરાતના ગરીબ વર્ગના લોકો માટે આમ તો આર્શિવાદ સમાન ગણાય છે. ગરીબથી લઈને મધ્યમ વર્ગના લોકો અહીં યોગ્ય સારવાર અને સુવિધાની આશાએ આવે છે. પરંતુ અહીં આવતા દર્દીઓને ક્યાં ખબર છે કે અહીં સારવાર તો મળી રહે છે પરંતુ સુવિધા મળી રહી નથી. આવું જ કંઈક બન્યું છે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં જ્યાં ચાલુ સીલીંગ ફેન મહિલાના માથા પર પડતા મહિલા ઇજાગ્રસ્ત થઈ છે. મળતી માહિતી અનુસાર, વર્ષાબેન નામની મહિલા છેલ્લા ત્રણ મહિનાથી સુરત નવી સિવિલ હોસ્પિટલમાં પોતાના પુત્રની ટીબીની સારવાર કરાવી રહ્યા છે. 


આ દરમિયાન ગતરોજ બપોરના સમય દરમિયાન પુત્રને જમાડી તેઓ બાજુના બેડ પર સુવાની તૈયારી કરી રહ્યા હતા. આ સમય દરમિયાન અચાનક ચાલુ સીલીંગ ફેન તૂટીને તેમના માથા પર પડ્યો હતો. ચાલુ સીલીંગ ફેન એકાએક તૂટી પડતા હોસ્પિટલના વોર્ડમાં ભાગદોડ મચી ગઈ હતી. આ ઘટનામાં ઇજાગ્રસ્ત વર્ષાબેનને જોઈ ત્યાં હાજર તબીબો અને નર્સિંગ સ્ટાફ તાત્કાલિક દોડી આવ્યા હતા અને વર્ષાબેનને સારવાર અર્થે ખસેડયા હતા. જ્યાં વર્ષાબેનને માથાના ભાગે ગંભીર ઇજા થતાં સારવાર આપવામાં આવી હતી. 


બીજી તરફ સુરત નવી સિવિલ હોસ્પિટલના વોર્ડમાં બનેલી આ ઘટના બાદ હોસ્પિટલનું તંત્ર સફાળે જાગ્યું હતું. સુરત નવી સિવિલ હોસ્પિટલ સુપ્રિટેન્ડેન્ટ  ડોક્ટર ગણેશ ગોવેકર દ્વારા હોસ્પિટલના પીઆઇયું વિભાગને તાકીદની સૂચના આપી હતી. સુપ્રિટેન્ડેન્ટ  ડો.ગણેશ ગોવેકરે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આ ઘટના ધ્યાને આવી છે. જેથી તાત્કાલિક ધોરણે આ મામલે પીઆઇયુ વિભાગને જાણકારી આપવામાં આવી છે. હોસ્પિટલના જેટલા પણ વોર્ડમાં લાઈટ અને પંખાની યોગ્ય ચકાસણી કરવા સૂચના આપવામાં આવી છે. એટલું જ નહીં પરંતુ જે કોઈ પણ લાઈટ અથવા પંખા ભયજનક સ્થિતિમાં હોય તેવા તમામ લાઈટ અને પંખા દૂર કરી યોગ્ય વ્યવસ્થા કરવા અંગે પણ આદેશ કરાયા છે. 


મહત્વનું છે કે સુરત નવી સિવિલ હોસ્પિટલના વોર્ડમાં બનેલી આ ઘટનામાં મોટી જાનહાની ટળી છે. જોકે ઘટનામાં મહિલા ઇજાગ્રસ્ત થઈ છે. જે ઘટના બાદ સુરત નવી સિવિલ હોસ્પિટલનું તંત્ર સફાળે જાગ્યું છે. જ્યાં ઘોડા ભાગી ગયા બાદ હોસ્પિટલ તંત્ર હવે તબેલાને તાળા મારવા ચાલ્યું છે. સુપ્રિટેન્ડેન્ટના જણાવ્યા અનુસાર, જેટલા પણ આ પ્રકારની સ્થિતિમાં લાઈટ અને પંખા છે તેની સામે નવા પંખા અને લાઈટ લગાડવા માટેની સૂચના આપવામાં આવી છે.