નવી દિલ્હી: પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી પહેલા મમતા બેનર્જીને મોટો વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. તૃણમૂલ કૉંગ્રેસ(TMC)ના સાંસદ દિનેશ ત્રિવેદીએ રાજ્યસભામાંથી રાજીનામું આપી દીધું છે. દિનેશ ત્રિવેદીએ પોતાના રાજીનામાની જાહેરાત રાજ્યસભામાં પોતાની સ્પીચ દરમિયાન કરી હતી. એવામાં હવે દિનેશ ત્રિવેદી ભાજપમાં જોડાશે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે.


સૂત્રો અનુસાર દિનેશ ત્રિવેદી છેલ્લા એક મહિનાથી સતત ભાજપના સંપર્કમાં હતા. હાલમાં અમિત શાહના બંગાળ પ્રવાસ દરમિયાન તેમની પાર્ટીના ટોચના નેતાઓ સાથે વાતચીત થઈ છે. તેના બાદ તે ટીએમસીમાંથી રાજીનામુ આપી ભાજપમાં જોડાશે.

દિનેશ ત્રિવેદીનો રાજ્યસભા કાર્યકાળ સપ્ટેમ્બર 2020માં જ શરુ થયો હતો. ત્રિવેદી રાજીનામુ આપી દેશે તો વિધાનસભા ચૂંટણી બાદ તે સિટ પર પેટાચૂંટણી યોજાશે. એવામાં ભાજપ અને દિનેશ ત્રિવેદીનું માનવું છે કે, તે બંગાળમાં ભાજપની સરકાર આવ્યા બાદ ફરી રાજ્યસભામાં જશે. જો કે, તેમની સામે વિધાનસભા ચૂંટણી લડવાનો પણ પ્રસ્તાવ છે પરંતુ તેઓ ચૂંટણી લડશે કે નહીં તે હજુ સ્પષ્ટ નથી.