નવી દિલ્લીઃ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે દેશમાં કન્ટેઈનમેન્ટ ઝોનના વિસ્તારોને બાદ કરતાં તમામ વિસ્તારોમાંથી લોકડાઉન હટાવી લેવાની જાહેરાત કરી છે. મોદી સરકારે દેશને અનલોક કરવાની જાહેરાત કરી છે અને તેની શરૂઆત 1 જૂનથી થઈ ગઈ છે.


જો કે મોદી સરકારે દેશભરમાં શૈક્ષણિક સંસ્થાઓને બંધ જ રાખવાનો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલે બહા પાડેલા આદેશમાં સ્પષ્ટ શબ્દોમાં કહેવાયું છે કે, દેશભરમાં સ્કૂલ, કોલેજ, એજ્યુકેશન, ટ્રેનિંગ અને કોચિંગ ઇન્સ્ટીટ્યૂટ વગેરે બંધ જ રહેશે. કેન્દ્ર સરકારે એ સ્પષ્ટતા પણ કરી છે કે, સ્કૂલ, કોલેજ, એજ્યુકેશન, ટ્રેનિંગ અને કોચિંગ ઇન્સ્ટીટ્યૂટ ખોલવા અંગે બીજા તબક્કામાં વિચારણા કરાશે અને આ વિચારણા જૂલાઈ મહિનામાં થશે. તેનો અર્થ એ થયો કે, જૂન મહિના દરમિયાન શાળા-કોલેજો સહિતની શૈક્ષણિક સંસ્થાઓ નહીં ખૂલે.

ગૃહ મંત્રાલયના આદેશમાં એ પણ સ્પષ્ટતા કરાઈ છે કે, સ્કૂલ, કોલેજ, એજ્યુકેશન, ટ્રેનિંગ અને કોચિંગ ઇન્સ્ટીટ્યૂટ રાજ્ય સરકારોની સલાહ અનુસાર જ ખૂલશે. રાજ્ય સરકાર પણ બાળકોના માતાપિતા તથા સંસ્થાઓ સાથે જોડાયેલા લોકો સાથે ચર્ચા કરી નિર્ણય લેશે. તમામ લાગતા વળગતાનો ફીડબેક મળ્યા પછી આ સંસ્થાઓ ખોલવા અંગેનો નિર્ણય લેવામાં આવી શકે છે એ જોતાં આખો જૂન મહિને સ્કૂલ-કોલેજો નહીં ખૂલે એ સ્પષ્ટ છે.