વડોદરા: કોરોના મહામારીને કારણે હાલ સમગ્ર દેશમાં લોકડાઉન અને પછી હવે અનલોક-1 ચાલી રહ્યું છે, ત્યારે કતારની ક્યુ કોન કંપનીમાં કામ કરતાં વડોદરા સહિત ગુજરાતના બે હજાર જેટલા કર્મચારીઓ બે મહિનાથી ફસાઈ ગયા છે. કતારમાં બે મહિનાથી વગર પગારે ફસાયેલા ગુજરાતીઓની ધીરજ ખૂટી છે.


કતારમાં ફસાયેલા લોકો પાસેથી પૈસા તો ખુટી જ ગયા છે, સાથે સાથે તેમને જમવાનું પણ સાર આપવામાં આવતું નથી. પાકિસ્તાને તેમના કર્મચારીઓને પરત બોલાવ્યા છે. ત્યારે ફસાયેલા લોકોની ભારત સરકારને મદદ કરે તેવી આશા છે. ફસાયેલા યુવકોએ જણાવ્યું હતું કે, અહીં એક મહિનાનું જ કામ હતું. જે કામ પૂર્ણ થઈ ગયેલ છે. આથી તેમને કંપની દ્વારા રૂમ પર બેસાડી દેવામાં આવ્યા છે. અહીં તેમને ચાર મહિનાથી વધુ સમય થઈ ગયો છે. કંપનીએ બે મહિનાથી પગાર પણ બંધ કરી દીધો છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અહીં એક વંદે ભારત ફ્લાઇટ આપવામાં આવી છે, જેમાં પણ 25 લોકોના જ નામ છે. તેમાંથી પણ પાંચ લોકોના નામ કેન્સલ થઈ ગયા છે. ત્યારે હવે કતરામાં ફસાયેલા ગુજરાતીઓએ ગુજરાત સરકાર પાસે મદદ માગી છે અને તેમને ઝડપથી વતન લઈ જવાની માંગ કરી છે. તેઓ અહીં ફસાયેલા હોય તેમનો પરિવાર પણ ચિંતામાં છે.