વડોદરાઃ મંગળવારે વડોદરામાં કોરોનાના 32 કેસ આવવા સાથે જિલ્લામાં કુલ કેસની સંખ્યા 1106એ પહોંચી ગઈ છે જેમાંથી 442 કેસ એક્ટિવ છે જ્યારે 625 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જિલ્લામાં કુલ 39 લોકોના મોત થયા છે. જિલ્લામાં કોરોનાના વધતા કેસ તંત્ર માટે પડકારરૂપ બની રહ્યા છે.


મળતી માહિતી મુજબ ડોક્ટર, પોલીસ બાદ હવે ધરપકડ કરવામાં આવેલા આરોપીઓ પણ કોરોના પોઝિટિવ આવી રહ્યા છે. વડોદરા પોલિસે છેલ્લા 15 દિવસમાં ધરપકડ કરેલા 12 આરોપીઓને કોરોનાનો ચેપ લાગ્યો છે. સાથે સાથે બે પીઆઈ સહિત 7 પોલિસ કોન્સ્ટેબલ પણ કોરોનાની ઝપેટમાં આવી ગયા હતા. એટલું જ નહીં પોલીસ અને આરોપી ઉપરાંત વેપારીઓમાં પણ કોરોના પોઝિટિવ કેસની સંખ્યા વધી છે. 25 દિવસમાં 26 જેટલા વેપારીઓ શંકાસ્પદ કોરોના હોવાનું જાણવા મળ્યું છે.

2 જૂન અને બુધવારના આરોગ્ય વિભાગના આંકડા અનુસાર, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં વધુ 29 લોકોનાં મોત થયા છે. તેમાં અમદાવાદ-24, અરવલ્લી-2 સુરત, મહેસાણા અને જૂનાગઢમાં 1-1 દર્દીનું મૃત્યુ થયું છે. અત્યાર સુધી રાજ્યમાં કુલ મૃત્યુઆંક 1092 પર પહોંચ્યો છે.

રાજ્યમાં આજે સૌથી વધુ 1114 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. આ સાથે અત્યાર સુધીમાં કુલ 11894 લોકો ડિસ્ચાર્જ થયા છે. રાજ્યમાં હાલ 4646 એક્ટિવ કેસ છે જેમાં 62 વેલ્ટીલેટર પર છે અને 4584 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ 2 લાખ 21 હજાર 610 ટેસ્ટ કરવામાં આવ્યા છે.

રાજ્યના જુદા-જુદા જિલ્લાઓમાં કુલ 2,35, 017 વ્યક્તિઓ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે. જે પૈકી 2,27,666 વ્યક્તિઓ હોમ ક્વોરન્ટાઈન તથા 7375 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે.