છોટાઉદેપુરમાં ધોધમાર 4 ઇંચ વરસાદઃ ઓરસંગ-કરા નદી બે કાંઠે, આસપાસના ગામોને કરાયા એલર્ટ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 27 Aug 2019 10:51 AM (IST)
છોટાઉદેપુરમાં છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં સૌથી વધુ 4 ઇંચ વરસાદ ખાબક્યો છે. જેને કારણે જિલ્લાની ઓરસંગ અને કરા નદી બે કાંઠે વહી રહી છે, ત્યારે નીચાણવાળા ગામોમાં એલર્ટ આપી દેવાયું છે.
અમદાવાદઃ હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે ગુજરાતમાં ગઈ કાલથી વરસાદનો પ્રારંભ થઈ ગયો છે. આજે અમદાવાદ, ગાંધીનગર, સુરત ઉપરાંત અનેક જિલ્લાઓમાં વરસાદ પડી રહ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં સૌથી વધુ વરસાદ છોટાઉદેપુર જિલ્લામાં ખાબક્યો છે. છોટાઉદેપુરમાં 4 ઈંચ વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત ગોધરામાં 3.12 ઈંચ, મોરવાહડફમાં 3.16 ઈંચ, દાહોદ અને ક્વાંટમાં 3-3 ઈંચ, પાવીજેતપુર, બોડેલી, ભિલોડા, ધનસુરા ડભોઈ, વડોદરામાં 2-2 ઈંચ, શહેરામાં 1.8 ઈંચ, જાંબુઘોડામાં 1.6 ઈંચ, કાલોલમાં 1.5 ઈંચ, બાયડ અને માલપુરમાં 1.5 ઈંચ, ઘોઘંબામાં 1.4 ઈંચ અને હાલોલમાં 1.3 ઈંચ વરસાદ ખાબક્યો હતો. છોટાઉદેપુરની વાત કરીએ તો ભારે વરસાદને પગલે કવાંટનો રામી ડેમ 75 મિમીથી ઓવરફ્લો થયો છે. જેને કારણે નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા છે. કવાંટની ઓરસંગ અને કરા નદી બે કાંઠે વહી રહી છે. જિલ્લા કલેકટરે ટ્વીટ કરી સાવચેત કર્યા છે. પાવીજેતપુરના કલારાની ગામે રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે. ભારે વરસાદના પગલે જનજીવન અને વાહનવ્યવહાર પર ભારે અસર થઈ છે.