વડોદરાઃ વડોદરા પોલીસ દ્ધારા શહેરના અલગ અલગ 10 સ્થળો પર દરોડા પાડી 56 જેટલા યુવક-યુવતી અને સગીરોને ડ્રગ્સનું સેવન કરતા ઝડપી પાડ્યા હતા. ડ્રગ્સનું સેવન કરતા ઝડપાયેલા યુવક યુવતીઓમાં મોટાભાગના કોલેજીયન હોવાનો ખુલાસો થયો છે. પોલીસે તમામ યુવક યુવતીઓના માતાપિતાઓને બોલાવી કાઉન્સિલંગ પણ હાથ ધર્યું. તો સાથે 42 જેટલા યુવક યુવતીઓને બ્લડ ટેસ્ટ માટે હોસ્પિટલ પણ મોકલવામા આવ્યા હતા. બીજી તરફ પોલીસે ડ્રગ્સના વેચાણ મામલે કુખ્યાત મઢી, બકુલા સહિત 6 જેટલા શખ્સોની અટકાયત પણ કરી હતી.
આ મામલે વડોદરા ક્રાઇમ બ્રાંચના ડી.સી.પી. જયદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ડ્રગ્સના રવાડે ચઢેલા યુવાધનને અટકાવવા પોલીસ તંત્ર દ્વારા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. પોલીસની વિવિધ 10 ટીમો બનાવી ડ્રગ્સનો નશો થતો હોય તેવા દસ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. જ્યાંથી 56 વ્યક્તિઓને ડ્રગ્સના શંકાસ્પદ નશામાં ઝડપી પાડવામાં આવ્યા હતા. દરોડા દરમિયાન પોલીસને ગાંજા અને અફીણની પડીકી પણ મળી આવી હતી.