વડોદરાઃ ડભોઇ તાલુકાનાં ફરતીકૂઇ નજીક આવેલી દર્શન હોટલમાં મોડી રાતનાં આશરે 11 કલાકે એક મજૂર હોટલનો ખાળકૂવો સાફ કરવા માટે નીચે ઉતર્યો હતો. જેને ગૂંગળામળનાં કારણે બૂમો પાડી હતી જેના કારણે તેને બચાવવા અન્ય 6 પણ ખાળકૂવામાં ઉતર્યા હતાં. આ તમામ સાત જણનાં અંદર જ ઝેરી ગેસના કારણે મોત થયા છે. ઘટના બાદ ડભોઈ ફાયર વિભાગ દ્વારા મૃતકોને દોરડાથી ખેંચીને બહાર કાઢવામાં આવ્યા હતા.



આ ઘટનાની મળતી માહિતી અનુસાર, મજૂરો ફાયર સેફ્ટીના સાધનો વગર ખાળકૂવો સાફ કરવા માટે ઉતર્યા હતા. આ ઘટનાની જાણ ફાયરબ્રિગેડને કરાતા ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી હતી અને 6 કલાકની જહેમત બાદ મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યાં હતાં.



ઘટના બાદ હોટલ સંચાલકો ફરાર થઇ ગયા છે. મૃતકોને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડાયા છે. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે. બનાવને પગલે ડી.વાય.એસ.પી. કે.વી. સોલંકી, પી.આઈ. જે.એમ.વાઘેલા, ડભોઇ મામલતદાર ડી.કે.પરમાર, ડભોઇ ધારાસભ્ય શૈલેશભાઈ મહેતા પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.



મૃતકોના નામ - અશોક બેચરભાઇ હરીજન (રહે. વાંટા ફળીયું, થુવાવી), હિતેષ અશોકભાઇ હરીજન (રહે. વાંટા ફળીયું, થુવાવી), મહેશ મણીલાલ હરીજન (રહે. વસાવા ફળિયું, થુવાવી), મહેશ રમણલાલ પાટણવાડીયા (રહે. દત્તનગર, થુવાવી), અજય વસાવા (મૂળ રહે. કાદવાલી, ભરૂચ, હાલ હોટલ), વિજય અરવિંદભાઇ ચૌધરી (રહે. વેલાવી તા. ઉમરપાડા, સુરત., હાલ હોટલ), શહદેવ રમણભાઇ વસાવા (રહે. વેલાવી, તા. ઉમરપાડા, સુરત., હાલ હોટલ)