વડોદરાઃ મહારાષ્ટ્રના ધુલિયા-સોનગીર રોડ પર અમદાવાદના જમીન ડેવલોપર્સ ગોપાલ કાબરાની હત્યામાં ધુલિયા પોલીસે વડોદરાના બિલ્ડર ક્રિષ્ણા ગેંદાલાલ સોમાણી અને તાંદલજાના સાગરિત રાજુ ઉર્ફે વિહાંગ ત્રિવેદીની ધરપકડ કરી હતી. પોલીસે ગોપાલની પત્ની કંચન કાબરાની પૂછપરછ કરતાં તેણે પણ ક્રિષ્ણા સોમાણી સાથે સ્નેહ સંબંધ હોવાની કેફિયત કરી હતી.

કંચન ફૂડ ઈન્ડસ્ટ્રીઝમાં પ્રખ્યાત નામ છે તેણે વાનગીઓ પર પુસ્તકો લખી છે અને અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બીલ ક્લિન્ટનની ગુજરાત મુલાકાત સમયે તેણે રેસીપી બનાવી હતી. 10 કરોડના હીરાની લેવડ-દેવડની જાણ હોવાનું કંચને પોલીસને જણાવતા જમીનના કરોડના વ્યવહાર મુદ્દે હત્યા થઈ હોવાના કારણમાં નવો વળાંક આવ્યો છે.

ધુલિયા એલસીબી પીઆઈ હેમંત પાટિલે શુક્રવારે ક્રિષ્ણા સોમાણીના ઘરની તપાસ કરતાં ગોપાલ કાબરાની હત્યાના પ્લાનની બ્લૂ પ્રિન્ટ મળી આવી હતી. પોલીસે ક્રિષ્ણાના રાજપીપળા ખાતે આવેલા ફાર્મહાઉસમાં પણ સર્ચ કરતાં હત્યામાં સંડોવાયેલા વિજય પટેલની પણ પોલીસને વિગતો મળી છે.

વિજય પટેલ છેલ્લા એક મહિનાથી ફાર્મ હાઉસમાં રહીને કામ કરતો હતો. હત્યા કરવા માટે વડોદરા સ્ટેશન પાસેથી ગણપત પરમારનો લાલ કલરનો ટેમ્પો લઈ સુરતથી અન્ય સાગરિતને લઈ ધુલિયા પહોંચ્યો હતો. પોલીસે ફાર્મ હાઉસમાંથી વિજયને લગતાં કેટલાક પુરાવા કબજે કર્યાં છે. ડ્રાઈવર લલીત અને અન્ય સાગરિત હજુ ફરાર છે.