વડોદરા: વેપારી વ્યક્તિ હમેંશા ખૂબ જ હિંમતવાન હોય છે.કારણકે વેપાર કરવામાં હિંમત ની જરૂર હોય છે.પરંતુ કેટલાક કિસ્સાઓ એવા બની જતા હોય છે જેમાં હિંમતવાન વેપારીઓ જીવન ટૂંકાવી લે છે અને આવો કિસ્સો બન્યો વડોદરામાં,જ્યાં લાખો રૂપિયા પરત ન આવતા અને પોલીસે પણ સાથ ન આપતા આનંદ પટેલ નામના વેપારીએ આપઘાત કરી લેવો પડ્યો હતો.
વડોદરાના દંતેશ્વર વિસ્તારની નેહલ પાર્ક સોસાયટીમાં રહેતા અને પ્રતાપ નગર વિસ્તારના ઇન્ફિનિટી આર્કેડમાં મોબાઈલ રિચાર્જ અને મની ટ્રાન્સફરનો વ્યવસાય કરતા આનંદ પટેલના પરિવારમાં પત્ની અને નાનું બાળક છે.થોડા વર્ષો પહેલા આનંદ પટેલની ઓળખાણ જેતપુરના જયેશ અમૃતિયા સાથે થઈ હતી. જયેશ અમૃતિયાએ આનંદ પટેલની ઓળખાણ મોરબીના વિશાલ જગસાનિયા અને અમદાવાદના જીગ્નેશ વ્યાસ સાથે કરાવી હતી અને મની ટ્રાન્સફર કરતા આંગડિયામાં કોઈ ચાર્જ ન લાગે અને વધુ નફો મળે તેવી લાલચ આપી હતી.જેને લઈને આનંદ પટેલે ધીમે ધીમે 27.80 લાખ રૂપિયા આપ્યા હતા. જેમાંથી 21 લાખ રૂપિયા ત્રણેય લોકોએ પરત આપ્યા હતા પરંતુ બાકીના 6.80 લાખ રૂપિયા છેલ્લા એક વર્ષથી ત્રણેય શખ્સો પરત આપતા ન હતા.
જેથી આનંદ પટેલે ઉઘરાણી શરૂ કરતા તેમને જવાબ મળ્યો કે જે થાય તે કરી લે પૈસા નહીં મળે.બસ આ જ જવાબથી આનંદ પટેલે ત્રસ્ત થઈ આખરે મકરપુરા પોલીસ મથકે ફરિયાદ કરી.પરંતુ ત્યાં પણ યોગ્ય પ્રતિસાદ ન મળતા આખરે પોલીસ કમિશનરને અરજી કરી પરંતુ તેમ છતાં નાણાં પરત ન આવ્યા. બીજી તરફ આનંદ પટેલ વ્યાજે પૈસા લઈને આર્થિક સંકડામણમાં ઘેરાઈ ગયા હોવાથી આખરે 4 ઓગસ્ટ ના રોજ ઘર છોડી ગયા અને 6 ઓગસ્ટના રોજ બાદમાં હાલોલની નર્મદા કેનાલમાંથી કેમની લાશ મળી આવી. આનંદ પટેલે પોતાની આપવીતી સ્યુસાઇડ નોટમાં પણ લખી અને કેમ જીવન ટૂંકાવવું પડ્યું તે પણ લખતા ગયા.
પરિવારનું કહેવું છે કે જો પોલીસે સમયસર મદદ કરી હોત તો આજે તેમના ઘરનો મોભી જીવતો હોત.અમને ન્યાય મળે અને નાણાં પરત મળે જેથી વિધવા થયેલી પત્ની નાના બાળક સાથે જીવન વિતાવી શકે. જોકે અવાવરું જગ્યા કે જ્યાં કોઈ જાય નહીં તેવી જગ્યાથી મૃતદેહ મળતા પરિવારે હત્યાની પણ આશંકા વ્યક્ત કરી હતી અને પોલિસ તે દિશામાં તપાસ કરે તેવી પરિજનો એ માંગ કરી હતી. આખરે પોલીસ મથકોના ધક્કા ખાઈને કંટાળેલા આનંદ પટેલના આપઘાત બાદ પોલીસ જાગી અને પોતે નિર્દોષ છે તે બતાવવા 3 આરોપીઓ સામે આપઘાત માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અને મૃતકના પત્નીની ફરિયાદ પણ લીધી છે. આ કાર્યવાહી પહેલા પણ થઈ શકી હોત પરંતુ કોઈ ના જીવ જાય પછી જ કામગીરીનો ડોળ કરવાની આદત ધરાવતા સરકારી તંત્ર સામે એક જ સવાલ ઉભો થાય કે કયારે ઝડપી કામગીરી કરી કોઈ નો જીવ કે કોઈનું ઘર ઉજળતા બચે તેવી કામગીરી કરશો?