Vadodara: વડોદરામાં રખડતા ઢોરના કારણે અકસ્માત થશે તો વડોદરા મહાનગરપાલિકા વળતર આપશે. અમદાવાદ બાદ વડોદરા મહાનગરપાલિકાએ આ અંગેનો નિર્ણય લીધો હતો. વડોદરા પાલિકાની સ્થાયી સમિતિમાં દરખાસ્ત મુકવામાં આવી છે.


દરખાસ્ત મુજબ જો વડોદરા શહેરમાં રખડતા પશુના કારણે જોઇ વ્યક્તિનું મોત થશે તો પાલિકા મૃતકના પરિવારજનોને પાંચ લાખ રૂપિયાનું વળતર ચૂકવશે અને જો કોઇ વ્યક્તિ અકસ્માતમાં ઇજાગ્રસ્ત થશે તો તેને 50 હજાર રૂપિયાનું વળતર આપવાની દરખાસ્ત કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટની સૂચના આ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. સભા થકી દરખાસ્ત બાદ નવી કેટલ પોલિસી અમલમાં આવશે. મહત્વની બાબત એ છે કે રખડતા ઢોરને કારણે મૃતકના પરિવારજનોને રૂ. 5 લાખ અને ઇજાગ્રસ્તને રૂ. 50 હજારના વળતર કે જેની વસૂલાત પશુપાલક પાસેથી કરવા જોગવાઈનું સૂચન અપાયું છે.


પશુઓના ત્રાસ અટકાવ અને નિયંત્રણ પોલિસી બનાવવા સ્થાયીમાં દરખાસ્ત સાથે સૂચનો મુકાયા છે. જેમાં એક જ પશુ મલિક ત્રીજી વખત ગુનો કરે તો બિન જામીનપાત્ર ગુનો અને ઢોરવાડા કાયમી બંધ કરવાનું સૂચન કરાયું છે. આ ઉપરાંત પશુના ટેગને તોડવા અથવા દૂર કરશે તો સરકારી પુરાવાનો નાશ કરવાનો ગુનો તેમ જ સરકારી કામગીરીમાં અવરોધ ગણાશે અને કાયદેસર કાર્યવાહી કરાશે.