દાહોદઃ નાની બાંડીબાર ગામે 32 વર્ષીય યુવાને બે સંતાનો સાથે કૂવામાં કૂદીને આપઘાત કરી લેતા આખા ગામમાં અરેરાટી વ્યાપી ગઈ છે. પિતાએ 11 અને 8 વર્ષના પુત્ર સાથે કૂવામાં કુદી આપઘાત કર્યો છે. ગ્રમજનો અને પોલીસની મદદથી મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા છે.

આ અંગેની વિગતો એવી છે કે, બાંડીબારના જયંતિભાઇ સરતનભાઈ પટેલ તેમના પત્ની અને બે સંતાનો સાથે રહેતા હતા અને ખેતીકામ કરીને ગુજરાત ચલાવતા હતા. જયંતિભાઈએ બે પુત્રો સાથે આપઘાત કરી લેતા પત્ની નોંધારી બની છે. આ ઘટનાની જાણ થતાં લીમખેડા પોલીસને જાણ કરતા લીમખેડા પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી. તેમજ ગ્રામજનોની મદદથી પોલીસે કૂવામાંથી ત્રણેય મૃતદેહ બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે.

જોકે, તેમણે આ પગલું કેમ ભર્યું તે પાછળનું કારણ અકબંધ છે. જોકે, લોકડાઉનના સમયે તેઓ અસ્થિર મગજના થઇ ગયા હોય તેવી હરકતો કરતાં હોવાનો ગ્રામજનો ગણગણાટ કરી રહ્યા છે. ફરીથી તેઓ મગજની અસ્થિરતાની બીમારીનો ભોગ બન્યા હોય અને કોઇ ખોટા વીચારોને કારણે પૂત્રો સાથે કૂવામાં ભૂસકો માર્યો હોય તેવી એક આશંકા વ્યક્ત કરાઇ રહી છે. જોકે, જયંતિભાઈના પત્નીની પૂછપરછ અને પોલીસ તપાસ પછી કારણ સામે આવી શકે છે.