વડોદરા: ગોત્રી-સેવાસી રોડની વિલાના ક્લબ હાઉસમાં સ્વિમિંગ કરી રહેલી 8 યુવતીઓના વીડિયો ઉતારનારા બિઝનેસંમેન સામે યુવતીઓએ પોલીસ ફરિયાદ નોંધાવતાં પોલીસે તેની ધરપકડની કાર્યવાહી શરૂ કરી છે. બિઝનેસમેન આકાશ પટેલ  પોતાના બંગલાની ગેલરીમાં અર્ધનગ્ન હાલતમાં ઉભો રહી વીડિયો ઉતારતો હતો.

યુવતીઓ તેને વીડિયો ઉતારતાં જોઈ ગઈ પછી તેને ઠપકો આપ્યો હતો. જો કે આકાશ પટેલે ચોરી પર સિનાજોરી કરીને  વીડિયો વાયરલ કરવાની ધમકી આપી હતી. છેવટે વિલામાં રહેતી 10થી વધુ મહિલાઓ સોમવારે સાંજે ગોત્રી પોલીસ સ્ટેશન ખાતે આકાશ પટેલની વિરૂધ્ધ અરજી આપવા માટે ગઈ હતી.

આ મહિલાઓએ પી.આઈ. ડી.કે.રાવને રજૂઆત કરી કે, બાજુના બંગલામાં રહેતો આકાશ પટેલ 6 મહિનાથી  સ્વિમિંગ કોશ્યુમ પહેરેલી મહિલાઓના ફોટા પાડે છે, વીડિયો ઉતારે છે. અગાઉ આ મુદ્દે આકાશે બોલાચાલી પણ કરી હતી. અર્ધનગ્ન હાલતમાં વીડિયો ઉતારતાં આકાશનો ફોટો પણ મહિલાઓએ પુરાવા રૂપે રજૂ કર્યો હતો.

આકાશ પટેલ સ્વિમિંગ પુલની પાસે આવેલી અર્થ સોમનાથ સોસાયટીના બંગલા નંબર 78માં રહે છે.  આકાશ પટેલ પહેલા માળની બાલ્કનીમાં અર્ધનગ્ન અવસ્થામાં ઉભો રહી વીડિયો શૂંટિંગ કરી અશ્લિલ હરકતો કરતો હતો. ક્લબ મેનેજરે પણ વીડિયો શૂટિંગ કરતાં આકાશનો ફોટો પાડી લીધો હતો.