વડોદરા: પાદરાના વડુ ગામમાં ગત મંગળવારના રોજ ૧૨૦ જેટલી દુકાનના દબાણો દૂર કરવામાં આવતા વેપારીઓની રોજગારી છીનાવાઈ છે. જેને લઈને વિકટ પરિસ્થિતિ ઉભી થઈ હતી. દુકાનદારો એ જે તે જગ્યા એ વૈકલ્પીક વ્યવસ્થા કરી આપે તેમજ સામે ઉત્તરાયણ તહેવારો હોવાથી વેપારીઓને જે તે સ્થળ પર ધંધો કરવાની છૂટ આપવામાં આવે તેવી માંગ સાથે રેલી કાઢી હતી અને પાદરા ટીડીઓ અને મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું.
દુકાનદારોની રોજી રોટી છીનવાઈ ગઈ
પાદરા તાલુકાના વડુ ગામની ભાગોળમાં ૧૨૦ જેટલા કાચી પાકી દુકાનોનો સફાયો પંચાયત દ્વારા મંગળવારના રોજ કરવામાં આવ્યો હતો. આ તમામ દુકાનો તોડી પાડવામાં આવતા દુકાનદારોની રોજી રોટી છીનવાઈ જતા બેરોજગાર બન્યા છે. જે તમામ દુકાનદારો અને નેશનલ હોક્સ ફેડરેશન સહિત સામાજિક આગેવાનો દ્વારા રેલી સ્વરૂપ પાદરા તાલુકા વિકાસ અધિકારી અને મામલતદારને આવેદનપત્ર આપી રજુઆત કરવામાં આવી હતી.
પાદરા તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપ્યું
દુકાનદારોએ પાદરાના એસ.ટી.ડેપોએથી રેલી સ્વરૂપે ભારે સુત્રોચાર અને પ્લેકાર્ડ સાથે પાદરા તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું અને ત્યારબાદ રેલી સ્વરૂપે પાદરા મામલતદાર કચેરી પહોંચીને આવેદનપત્ર આપી રજુઆત કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે દુકાનો તોડી પાડતા વડુના વેપારીઓની રોજી રોટી છીનવાઈ જતા તેઓની હાલત કફોડી બની છે. તો તેઓને ત્યાં જ વૈક્લિપક વ્યવસ્થા કરવામાં આવે અને સામે ઉત્તરાયણનો તહેવાર હોવાથી તેઓને ત્યાં જ ધંધો કરવાની છૂટ આપવામાં આવે તેવી માંગ કરી હતી.
સામાજિક આગેવાનો પણ દુકાનદારો સાથે આવ્યા
બીજી તરફ નેશનલ હોકર્સ ફેડરેશન તેમજ સામાજિક આગેવાનો પણ દુકાનદારો સાથે આવ્યા હતા અને વડુ ગામમાં તોડવામાં આવેલ દુકાનોને તાત્કાલિક સ્ટ્રીટ વેન્ડર એક્ટ પ્રમાણે જે તે જગ્યા એ વ્યવસાય કરવા મંજૂરી આપે તેવી માંગ કરી હતી. સાથે વડુ ગામના દુકાનદારોની વ્હારે પાદરાના સામજિક કાર્યકર રાજેન્દ્રભ રામી પણ આવ્યા હતા તેઓએ પણ લેખિતમાં રજુઆત કરી હતી અને દુકાનો તોડી પાડવા આવી છે તે વેપારીઓ તે જ સ્થળે પુનઃ સ્થાપન કરવામાં નહિ આવે તો ૨૬ મી જાન્યુઆરીના રોજથી વડુ ગ્રામ પંચાયત કચેરીની સામે ગાંધી ચીંધાય માર્ગે આમરણાંત ઉપવાસ પર બેસીને આંદોલનની ચીમકી આપી હતી.