વડોદરા: વડોદરાના પોશ વિસ્તાર ગણાતા એવા જૂના પાદરા રોડ પર ગુરૂવારે પ્રેમીએ બ્રેકઅપ કરનારી પ્રેમિકા સાથે ઝઘડો કરી દોઢ કલાકમાં ત્રણ વાર ગળું દબાવી દીધું હતું. જોકે પ્રેમિકા બચી જતાં પાછા આવીને દુપટ્ટા વડે ગળે ફાંસો આપી હત્યા કરી લાશ ઝાડની પાછળ છુપાવી દીધી હતી. હત્યા કરનાર પ્રેમી યુવકની પોલીસે ગણતરીના કલાકોમાં જ ધરપકડ કરી લીધી હતી. પારૂલ યુનિવર્સિટીમાં ડિપ્લોમા ઇસીના 5માં સેમીસ્ટરમાં અભ્યાસ કરતી જૂના પાદરા રોડની પ્રાચી યુવરાજ મૌર્ય અને ત્રીજા સેમિસ્ટરના વસીમ ઉર્ફે અરહાન સિકંદર મલેક વચ્ચે વર્ષ 2015માં પ્રેમસંબંધો બંધાયા હતાં. વસીમને બેકલોગ આવતાં પ્રાચીએ તેને ટ્યુશન આપવાનું શરૂ કર્યું હતું. વસીમ પ્રાચીના ઘરે જ ટ્યુશન આપવાં આવતો હતો. માતા નોકરી પર અને બહેન અભ્યાસ માટે જતાં બંનેને દરરોજ બપોરે 2 કલાક એકલતા મળતી હતી. આ પ્રેમસંબંધ 4 વર્ષથી ચાલતો હતો.