વડોદરાઃ દેશમાં કોરોનાના સતત ત્રીજા દિવસે ચાર લાખથી વધુ કેસ નોંધાયા છે, જ્યારે ગુજરાતમાં સતત ત્રીજા દિવસે કોરોનાના કેસમાં ઘટાડો નોંધાયો હતો. ગઈકાલે રાજ્યમાં ૧૨,૦૬૪ નવા કેસ નોંધાયા હતા. જ્યારે ૧૧૯ના કોરોનાથી મૃત્યુ થયા હતા. ગુજરાત સહિત દેશમાં અત્યાર સુધીમાં  એક કરોડ 79 લાખથી વધારે લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. કોરોના મટ્યા બાદ કે રિપોર્ટ નેગેટિવ આવ્યા પછી, ઘરે ગયા બાદ અચાનક જ તબિયત લથડવાના વધુ કિસ્સાઓ બહાર આવી રહ્યાં છે. ઘરમાં જ અચાનક શ્વાસ ફુલવા માંડવો, લકવાની અસર થવી કે હૃદય રોગનો હુમલો આવવો જેવા લક્ષણો અચાનક જ દેખા દે છે. પરિવારજનો દોડધામ કરીને હોસ્પિટલમાં દર્દીને દાખલ કરે છે પણ કમનસીબે ગણતરીના કલાકોમાં જ તેમનું મોત થઇ જાય છે.  


તબીબોના મતે કોરોનામાંથી ડિસ્ચાર્જ થઇને ફરી અન્ય રોગનો શિકાર બનતાં તબિયત લથડતી હોય તેવા દર્દીઓ 15 ટકાની આસપાસ હોય છે. તે પૈકીના 10-15 ટકા જેટલાની સ્થિતિ ગંભીર થઇ જાય છે અને છેવટે મૃત્યુ પામે છે. તબીબોના જણાવ્યા મુજબ કોરોનાને માત આપ્યા બાદ પણ તેને હળવાશમાં લેવાની જરૂર નથી. કારણ કે કોરોનાને લીધે શરીરના વિવિધ અંગોના માળખાને નુકસાન થયું હોય છે તેથી તેની કામ કરવાની તાકાત ઘટી ગઇ હોય છે. જેને લીધે અંગોને શ્રમ પડતો હોય છે. ખૂબ જ ઓછા કિસ્સામાં અન્ય વાઇરસ કે ફૂગ (મ્યુકોર) પણ સક્રિય બનતી હોય છે. જો આ અસર મગજ, હૃદય કે કીડની પર પણ પડે તો હાલત કથળતા વાર લાગતી નથી.


દર્દીના શરીરમાં ઓક્સિજનનું સ્તર અચાનક જ ઓછું થઇ જાય છે અને હોસ્પિટલ પહોંચે ત્યારે મોડુ થઇ ચૂક્યું હોય છે. આવી સ્થિતિ અંગે તબીબો કહે છે કે, કોરોનામાં લોહી ગંઠાઇ જાય છે, તેથી લોહી પાતળુ કરવાની દવાઓ અપાય છે. જે નિયમિતપણે લેવી જોઇએ. સાજા થયા બાદ પણ દર્દીઓએ- તેમના પરિવારજનોએ પૂરતી સાવચેતી રાખવી જોઇએ. વડોદરામાં છેલ્લા દોઢ મહિનામાં કોરોના બાદ કેટલા લોકોના ઘરે મૃત્યુ થયા છે તે માટે પાલિકાએ અલાયદી ટીમની વ્યવસ્થા કરી છે પણ જ્યારે તેના અધિકારી પાસે માહિતી માંગતા આવા આંકડાઓ અમને આપવાની મનાઇ છે તેવો જવાબ આપ્યો હતો.


કોરોનામાં લોહીનું ગંઠાવું સામાન્ય છે. કોરોનાનો રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ પણ આ લોહી ગંઠાવાની ક્રિયા ચાલુ જ હોય છે તેથી દર્દીને હોસ્પિટલમાંથી દવાઓ અપાય છે કે તબીબો લખી આપે છે પણ ઘણીવાર દર્દીઓ તેનું ફોલોઅપ ન કરતા પણ લોહી ગંઠાવાનું શરૂ થાય છે( જેને થ્રોમ્બોસિસ કહેવાય છે) પણ દર્દીને તેની જાણ થતી જ નથી. હવે આવું લોહી લોહીની પાતળી નળીઓમાં જાય ત્યારે મુશ્કેલી સર્જાય છે. વળી આવી નળીઓ હૃદય, મગજ અને કિડનીમાં વધુ હોય છે. તેથી જો આવું લોહી હદયમાં જાય તો હાર્ટ એટેક આવે, મગજમાં જાય તો ત્યાં લોહી ન પહોચવાથી લકવો થઇ જાય છે. કીડનીમાં પણ આવા જ કારણસર કામ કરતી બંધ થઇ જાય છે.


બચવા શું કરશો


કોરોના મટી ગયા બાદ કોમોર્બિડિટી ધરાવતા લોકોએ તળેલા ખાદ્ય પદાર્થોથી પરહેજી જ પાળવી જોઇએ. લોહીની નળીઓ સાંકડી થઇ જાય તો પણ જોખમ રહે છે. કોરોનાને લોહીની નલીકાઓની કામગીરીને પણ અસર થાય છે. દવાઓ અને જરૂર પડ્યે ઇન્જેક્શન પણ લેવા જોઇએ.  


કોરોનામાંથી ડિસ્ચાર્જ મેળવીને આખો દિવસ પથારીમાં પડ્યા રહેવા કરતા હલનચલન થાય તેવી પ્રવૃતિ કરતા રહેવું જોઇએ. જો સારુ લાગે અને ઓક્સિજન લેવલ જળવાઇ રહેતું હોય તો સવાર-સાંજ 5થી 10 મિનિટ ચાલી શકાય. લોહી પાતળુ થવાન સહિતની દવાઓ નિયમિતપણે લેવી જોઇએ.  


લોહી પાતળુ રાખવાની દવાઓ લેતા આયુર્વેદિક ઉકાળા કે અન્ય અખતરા કરવા જોઇએ નહીં. પેટમાં ચાંદા પડી શકે છે. G6PD ટેસ્ટકરાવ્યા વિના મિથિલિન બ્લ્યુ જેવી દવાઓની અજમાયેશી પણ કરવી જોઇએ નહીં.