વડોદરાઃ અમદાવાદ બાદ વડોદરામાં પણ નાગરિકતા સંશોધન બિલને લઇને વિરોધ પ્રદર્શન થયું હતું. શહેરના હાથીખાના-ફતેપુરા વિસ્તારમાં ટોળાએ પોલીસ ઉપર પથ્થરમારો કર્યો હતો. તે સિવાય હાથીખાના, પાંજરીગર મહોલ્લો અને પટેલ ફળીયામાં પથ્થરમારાની ઘટના થતાં પોલીસે મોરચો સંભાળી લીધો લીધો હતો. પોલીસે ટોળાને વિખેરવા માટે 12 જેટલા ટીયર ગેસના સેલ છોડવાની ફરજ પડી હતી. પોલીસે આ મામલે 15 જેટલા વ્યક્તિઓની અટકાયત કરી હતી.
પ્રદર્શનકારીઓએ જોઇન્ટ સીપી કેસરીસિંહ ભાટીની ગાડી સહિત પોલીસની ગાડીઓ પર પથ્થરમારો કર્યો હતો. પથ્થરમારાની ઘટનાઓ બાદ કોઇ અનિચ્છનીય ઘટના ના બને તે માટે પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે. તે સિવાય નાગરિકતા સંશોધન બિલનો વિરોધ કરવા વડોદરાની કલેક્ટર કચેરી પહોંચેલા 3 લોકોની અટકાયત કરાઈ હતી. વડોદરા શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત લોકોને શાંતિ રાખવાની અપીલ કરી છે.
ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કહ્યુ હતું કે ગુજરાતમાં ત્રણ દિવસ સુધી ઇન્ટરનેટ બંધ રાખવાની વાત ખોટી છે. ઇન્ટરનેટ બંધ કરવાની કોઇ મંજૂરી આપી નથી.