વડોદરાઃ અમુલ દ્વારા કરાયેલા  દુધના ભાવ વધારા બાદ બરોડા ડેરીએ પણ વધાર્યા ભાવ છે. અમુલ ગોલ્ડ, તાઝા, સ્લિમ એન્ડ ટ્રિમના ભાવમાં 2 રૂપિયાનો વધારો થયો છે. ચાર વર્ષમાં દુધના ખરીદ ભાવમાં 16.66 ટકાનો વધારો થયો છે. દૂધ ઉત્પાદકોને અપાતો કિલો ફેટનો ભાવ 25 રૂપિયા વધારાયો, 675થી 700 કરાયા છે. અમુલ ગોલ્ડ અને શક્તિના 500 એમ.એલ.ના પાઉચ માં ભાવ વધારો ન કરાયો.


ગુજરાતમા દૂધ અને દૂધ ઉત્પાદકોનું સૌથી વધારે વેચાણ કરતી અમૂલ બ્રાન્ડ દ્વારા થોડા દિવસ પહેલાં દૂધના ભાવોમાં વધારો કરાયો હતો. અમૂલે દૂધના ભાવમાં વધારો કર્યા પછી હવે છાશના ભાવમા વધારો કર્યો છે. અમૂલે લિટરે છાસમાં 4 રૂપિયાનો વધારો કર્યો છે. આ ઉપરાંત અમૂલ દ્વારા દહીંના ભાવમાં પણ કિલોએ 2 રૂપિયાનો વધારો કરી દેવાયો છે. અમૂલના આ ભાવવધારાના કારણે ઉનાળામાં લોકોએ ગરમીથી રાહત મેળવવી વધારે ખર્ચ કરવો  પડશે.


અમૂલે દૂધના ભાવમાં ગયા સપ્તાહે લિટરે બે રૂપિયાનો વધારો કર્યા પછી શનિવારે  દહીં અને છાશના ભાવમાં પણ વધારો કરવાની જાહેરાત કરી હતી. છાશના ભાવમાં લિટરે 4 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. નવા ભાવ પ્રમાણે 500 મિલિલિટર છાશનો ભાવ રૂપિયા 13થી વધારીને રૂપિયા 15 કરી દીધો છે. આમ, અમૂલ દ્વારા છાસના ભાવમાં એક લિટરે 4 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. 


અમૂલ દહીંના ભાવમાં પણ વધારો કરાયો છે. અમૂલે 200  ગ્રામના દહીંના પેકેટના ભાવ રૂપિયા 15થી વધારીને રૂપિયા 16 કરી દીધો છે. એ જ રીતે 400 ગ્રામના પાઉચના ભાવ રૂપિયા 28થી વધારીને રૂપિયા 30 કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.


દહીંના એક કિલોના પાઉચનો ભાવ રૂપિયા 63થી વધારીને રૂપિયા 65 કરવામાં આવ્યો હોવાની જાહેરાત  ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના આર.એસ.સોઢીએ કરી છે.


આ પહેલાં અમૂલે 1 માર્ચથી જ અમલમાં આવે તે રીતે દૂધના લિટરદીટ ભાવમાં બે રૂપિયાનો વધારો કરવાની જાહેરાત કરી હતી. ત્યારબાદ હવે દહીં ને છાશના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો  છે. 


દૂધના ભાવ ફેટને આધારે આપવામાં આવે છે. બનાસ ડેરીએ કિલોફેટના ભાવમાં રૂપિયા 30નો અને  સુમુલ ડેરીએ કિલોફેટના ભાવમાં રૂપિયા 20નો વધારો કર્યો છે. આ ભાવ વધારાનો લાભ પશુપાલકોને મળી રહ્યો છે. તેને પરિણામે દહીં અને છાશના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો છે.