વડોદરાઃ આર્થિક ભીંસને કારણે નાનકડા પરીવારનો માળો વિખરાયો છે. વાઘોડિયાના માડોધર વિસ્તારની કમલાનગર સોસાયટીમા ભાડે રહેતા છોટાઊદેપુરના ક્વાંટના પરીવારની કરુણતા સામે આવી છે. ચૌદ મહિનાની બાળકીની સારવાર નહિ કરી શકવાના કારણે માતાએ બાળકી સાથે 1 માર્ચે ઘર છોડ્યું હતું. પોતાની બાળકીનો ઈલાજ નહિ કરી શકવાના કારણે માતાને લાગી આવતા ઘર છોડ્યું હતું.
ખાનગી વાહનમા બોડેલી દવાખાને જઉં છું કહિ રુસ્તમપુરા નર્મદા કેનાલપર માતા બાળકી સાથે ઊતરી પડી હતી. માઈનોર કેનાલમા પોતાની ફુલજેવી દિકરીને ફેંકી દઈ નર્મદા કેનાલમા માતાએ ઝંપલાવ્યું હતું. 4 માર્ચે બાળકીનો મૃતદેહ સૈડાલ માઈનોર કેનાલમાંથી મળ્યો હતો. પતિ જસવંતે બાળકીની હત્યા કરનાર પત્ની કલ્પના સામે પોલીસ ફરીયાદ નોંઘાવી છે.
ગુમસુદા કલ્પનાનો મૃતદેહ ગત સાંજે પંચમહાલના કાલોલના શંકરપુરા નર્મદા કેનાલમાંથી મળ્યો છે. પતિએ મૃતદેહની ઓળખ કરી છે. આર્થીક સંકડામણના કારણે ધિરજ ગુમાવી વગર વિચાર્યે પગલુ ભરનાર પરણીતાના કારણે નાનકડો પરિવાર વિખેરાયો છે.