Yogesh Patel BJP MLA passes away: વડોદરાની માંજલપુર બેઠકના ભાજપના પીઢ ધારાસભ્ય અને લોકોમાં 'યોગેશ કાકા' તરીકે લોકપ્રિય યોગેશ પટેલનું 79 વર્ષની વયે ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન નિધન થયું છે. તેમના અવસાનથી ગુજરાત વિધાનસભા ફરી એકવાર ખંડિત થઈ છે. સ્પષ્ટ વક્તા, પ્રખર શિવભક્ત અને ભ્રષ્ટાચાર સામે હંમેશા અવાજ ઉઠાવતા યોગેશ પટેલ સતત 8 ટર્મથી ધારાસભ્ય તરીકે ચૂંટાતા આવ્યા હતા. સાવ સામાન્ય ફરાસખાનાના વ્યવસાયથી શરૂ કરીને 8 વખત ધારાસભ્ય બનવા સુધીની તેમની સફર અત્યંત રસપ્રદ રહી છે. એક આંદોલનકારીથી લઈને પ્રજાના પ્રિય નેતા બનવા સુધીની તેમની સફર હંમેશા યાદગાર રહેશે.

દૂધના ભાવવધારા સામે આંદોલન અને એ ચમત્કારિક બચાવ

પોતાના સંઘર્ષના દિવસો યાદ કરતા યોગેશ પટેલે અગાઉ જણાવ્યું હતું કે, 3 જૂન 1978ના રોજ દૂધ ડેરીએ અચાનક દૂધના ભાવમાં 10 પૈસાનો વધારો કરી દીધો હતો. મહિલાઓએ હોબાળો કર્યો છતાં કોઈ પરિણામ ન મળતા તેમણે આંદોલનની શરૂઆત કરી. વડોદરાના 235 જેટલા દૂધ કેન્દ્રો પર ભારે વિરોધ પ્રદર્શન થયા. આ દરમિયાન અમદાવાદી પોળનું દૂધ કેન્દ્ર સળગાવતી વખતે તેઓ પોતે ગંભીર રીતે દાઝી ગયા હતા.

Continues below advertisement
Continues below advertisement

તેમને સયાજી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, જ્યાં તેમની તબિયત એટલી બગડી ગઈ કે ડૉક્ટરોએ પણ હાથ અધ્ધર કરી દીધા હતા. પરિવારે અંતિમયાત્રાની તૈયારીઓ પણ શરૂ કરી દીધી હતી. પરંતુ, 18 જૂન 1978ના રોજ સ્વામીજીને આ વાતની જાણ થતાં તેમણે એક મહિલા સાથે પાઇનેપલ જ્યૂસ મોકલાવ્યો. આ જ્યૂસની 2 ચમચી પીધાની 15 જ મિનિટમાં તેઓ પથારીમાંથી ઊભા થઈ ગયા હતા. તેઓ આ ઘટનાને સ્વામીજીનો મોટો ચમત્કાર ગણાવતા હતા.

ફરાસખાનાના વ્યવસાયથી ધારાસભ્ય સુધીની સફર

યોગેશ પટેલનો મૂળ વ્યવસાય ફરાસખાનાનો (ટેન્ટ હાઉસ) હતો. સાવલીના ભીમનાથ મહાદેવ મંદિરે સ્વામીજીના કાર્યક્રમોમાં તેમના ફરાસખાનાનો સામાન જતો હતો. 1990 પહેલાંના એક દશેરાના દિવસે સ્વામીજીએ પોતાની કોટી અને ટોપી તેમને પહેરાવીને મજાકમાં કહ્યું હતું કે, "તું નેતા જેવો લાગે છે, હવે ચૂંટણી લડજે." બસ, એ દિવસથી યોગેશ પટેલ જ્યારે પણ ચૂંટણી લડતા ત્યારે સ્વામીજીના આશીર્વાદરૂપ એ કોટી અને ખિસ્સામાં એ ટોપી અચૂક રાખતા હતા.

આ પણ વાંચોઃ વડોદરામાં ચૂંટણી પ્રચાર તેજ: મતદારો 2024 માં આવેલા પૂર સંકટ ને ભૂલ્યા નથી, શું થશે નેતાઓની હાલત?

3 ચૂંટણી હાર્યા બાદ જનતા પાર્ટીથી થઈ હતી શરૂઆત

શરૂઆતના દિવસોમાં વિદ્યાર્થી હિતરક્ષક સમિતિ અને વડોદરા વિકાસ મંચ બનાવી તેઓ કોર્પોરેશનની 3 ચૂંટણી લડ્યા, પણ ત્રણેયમાં હારી ગયા. ત્યારબાદ જ્યારે રાજીવ ગાંધીના સમયમાં વી.પી. સિંહે જનતા પાર્ટી બનાવી ત્યારે તેઓ તેમાં જોડાયા અને 1990માં રાવપુરા બેઠક પરથી પહેલીવાર ધારાસભ્ય બન્યા. 1995માં તેઓ ભાજપમાં જોડાયા. એક સમયે ભાજપમાંથી તેમની ટિકિટ કપાવાની અણી પર હતી, ત્યારે મેનકા ગાંધીએ દિલ્હીમાં રજૂઆત કરી તેમને ટિકિટ અપાવી હતી. ભાજપમાં જોડાયા બાદ તેઓ રાવપુરાથી 5 વખત અને માંજલપુરથી 2 વખત એમ કુલ 8 વખત ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા.

છેલ્લા કેટલાક સમયથી તેમની તબિયત નાદુરસ્ત હોવાથી તેઓ વડોદરાની સ્ટર્લિંગ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા, જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેમના નિધન પર સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદાર સહિત ભાજપના અનેક નેતાઓ અને કાર્યકર્તાઓએ ભારે શોક વ્યક્ત કર્યો છે. અગાઉ ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદ પરમારના નિધન બાદ હવે યોગેશ પટેલના અવસાનથી વિધાનસભા ફરી ખંડિત બની છે.