Vadodara Municipal Election 2026: વડોદરામાં હાલ કોર્પોરેશનની ચૂંટણીનો માહોલ ગરમાયો છે અને નેતાઓ જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે, પરંતુ બીજી તરફ શહેરની જનતા હજુ ઓગસ્ટ 2024 માં આવેલા ભયાનક પૂરની યાદો અને નુકસાની ભૂલી શકી નથી. આગામી ચોમાસું નજીક આવી રહ્યું છે ત્યારે લોકોમાં પૂરનો ભય યથાવત છે. સરકારે પૂર બાદ 1200 કરોડ રૂપિયાનો મહત્વાકાંક્ષી 'વિશ્વામિત્રી નદી રિવાઈવલ પ્રોજેક્ટ' તો જાહેર કર્યો, પરંતુ દોઢ વર્ષના વાયદાઓ પછી પણ માંડ 10 થી 20 ટકા જ કામગીરી થઈ શકી છે. કામની આ ધીમી ગતિને કારણે શહેરીજનોમાં ભારે રોષ અને ચિંતા જોવા મળી રહી છે.

ઉમેદવારો ભલે ચૂંટણી પ્રચારમાં મસ્ત હોય, પણ મતદારો આજે પણ 2024 નું એ ભયાવહ દ્રશ્ય યાદ કરીને કાંપી ઉઠે છે. એક જ દિવસમાં 20 ઈંચ જેટલો ભારે વરસાદ ખાબક્યો હતો અને ઉપરવાસના આજવા તેમજ પ્રતાપપુરા સરોવરમાંથી પાણી છોડાતા વિશ્વામિત્રી નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. નદીની ભયજનક સપાટી 26 ફૂટ છે, પણ પાણી રેકોર્ડબ્રેક 35 ફૂટ સુધી પહોંચી જતા શહેરના મોટાભાગના વિસ્તારો જળમગ્ન થઈ ગયા હતા. આ વિનાશક પૂરમાં 11 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા. લોકો 3 થી 4 દિવસ સુધી લાઈટ અને પીવાના પાણી વગર ઘરમાં કેદ રહેવા મજબૂર બન્યા હતા. તે સમયે NDRF અને SDRF ની ટીમોએ 5500 થી વધુ લોકોનું રેસ્ક્યુ કરી 1200 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડ્યા હતા. પૂરના પાણી સાથે શહેરમાં મગરો પણ ઘૂસી આવ્યા હતા, જેણે લોકોના જીવ તાળવે ચોંટાડી દીધા હતા. એક જ સપ્તાહમાં 42 થી વધુ મગરો પકડાયા હતા.

Continues below advertisement
Continues below advertisement

પૂરની આ ભયાનકતા બાદ, રાજ્ય સરકારે વિશ્વામિત્રી નદીને પુનર્જીવિત કરવા 1200 કરોડ રૂપિયા ફાળવવાની જાહેરાત કરી હતી. આ પ્રોજેક્ટ અંતર્ગત સરકારે 180 કરોડ રૂપિયા કોર્પોરેશનને આપ્યા હતા, જેમાંથી અત્યાર સુધીમાં 122 કરોડ રૂપિયાનું જ કામ થયું છે. આ કામમાં નદીને ઊંડી અને પહોળી કરવામાં આવી છે તેમજ કિનારે વૃક્ષો વાવવામાં આવ્યા છે. પરંતુ આ કામગીરી અત્યંત ગોકળગાયની ગતિએ ચાલી રહી છે. સરકાર વધુ ફંડ આપવા તૈયાર છે, પણ કોર્પોરેશન આગળનો પ્રોજેક્ટ જ રજૂ કરી શકી નથી. નવલાવાલા કમિટીએ પાવાગઢથી પિંગલવાડા સુધીનો 3300 કરોડનો પ્રોજેક્ટ નક્કી કર્યો છે, જેને પૂરો થતાં 10 વર્ષ લાગી શકે છે. જોકે આમાં એક મોટો ટેકનિકલ પ્રશ્ન એ પણ છે કે વિશ્વામિત્રીનું પાણી ઢાઢર નદીમાં જાય છે, પણ જ્યારે દેવ ડેમમાંથી પાણી છોડાય ત્યારે ઢાઢર નદી વિશ્વામિત્રીનું પાણી સમાવી શકતી નથી, જે ભવિષ્ય માટે એક મોટી ચિંતા છે.

આ પ્રોજેક્ટમાં સૌથી મોટો અવરોધ નદીના પટમાં બિલ્ડરો દ્વારા ગેરકાયદેસર રીતે ઠાલવવામાં આવેલો કાટમાળ છે. હ્યૂમન રાઈટ કમિશન અને નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT) ની કડક ટકોર બાદ પાલિકા હવે સફાળી જાગી છે. અગાઉ 20 સ્થળોએ તપાસ કરતા 13 જેટલા સ્થળોએ અંદાજિત 4.40 કરોડ કિલો (44,400 મેટ્રિક ટન) કાટમાળ હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. અગાઉ અકોટા સ્મશાન અને વડસર પાસે 5454 મેટ્રિક ટન કાટમાળ હટાવાયો હતો. હવે કમિશનના સૂચન બાદ ફરીથી અકોટા સ્મશાન પાછળ, સમા નવી નગરી ભરવાડ વાસ પાછળ અને ભીમનાથ બ્રિજ પાસે ફાસ્ટ ટ્રેક કોર્ટ પાછળ 4 મીટર જેટલું ઊંડું ખોદકામ કરીને કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. હજુ પણ નદી પર અનેક ગેરકાયદેસર બાંધકામો ઊભા છે જેને તાત્કાલિક હટાવવા જરૂરી છે, નહીંતર આગામી ચોમાસામાં ફરીથી વડોદરાવાસીઓને પૂરનો સામનો કરવો પડી શકે છે.