વડોદરાઃ વડોદરાનાં ફતેપુરા વિસ્તારમાં આજે સવારનાં સમયે એક મકાનમાં ગેસલાઈનમાં પ્રચંડ ધડાકો થતાં દોડધામ મચી ગઈ હતી. ધડાકો થતાં ઘરમાં ભારે નુકશાન થયું હતું. જ્યારે પરિવારનાં ત્રણ સભ્યોને ઈજા પહોંચતાં સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ધડાકા બાદ લોકો ઘરની બહાર દોડી આવ્યા હતાં. વડોદરા શહેરનાં ફતેપુરા વિસ્તારમાં આવેલા લોકમાન્ય તિલક નગરમાં આજે ગેસ લાઈનમાં પ્રચંડ ધડાકો થયો હતો. સેલાર પરિવારનાં ઘરમાં થયેલા ધડાકાને પગલે ઘરમાં ભારે નુકશાન થયું હતું. ઘરમાં ધડાકો થતાં જ આસપાસનાં રહીશો પણ ઘરની બહાર દોડી આવ્યા હતા. ગેસ લાઈનમાં ભંગાણના સમાચાર સાંભળી સૌનાં જીવ અદ્ધર થઈ ગયા હતા. જ્યારે પરિવારનાં પતિ-પત્ની અને પુત્રીને ગંભીર ઈજા પહોંચી હતી. જેના પગલે સ્થાનિક રહીશોએ તેમને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા.