વડોદરા: શહેરનો વધુ એક જવાન આસામ બોર્ડર પર પેટ્રોલિંગ દરમિયાન શહીદ થયો હતો. આસામ બોર્ડર પર પેટ્રોલિંગ દરમિયાન શહીદી વહોરનાર વડોદરાના BSF જવાનનું નામ સંજય સાધુ હતું. વડોદરાના ગોરવા કરોડિયા રોડ પર આવેલી ભગવતી કૃપા સોસાયટીમાં રહેતા શહીદ જવાનના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.


રવિવારે રાત્રે લગભગ 10 વાગેની આસપાસ સંજય સાધુના પરિવારજનોને ફોન દ્વારા સમગ્ર ઘટનાની જાણકારી આપી હતી. આ ઘટના બાદ હવે મંગળવારે શહીદનો નશ્વરદેહ વડોદરા લાવવામાં આવશે.

વડોદરાના સંજય સાધુ BSFમાં પોલીસ ઈન્સપેક્ટર તરીકે ફરજ બજાવતા હતા અને તેઓ આસામ બોર્ડર પર પેટ્રોલિંગ દરમિયાન શહીદ થયા હતા. આસામ બોર્ડર પર પેટ્રોલિંગ દરમિયાન શહીદ થનાર સંજય સાધુના પિતા ગુજરાત પોલીસમાં પીઆઈ તરીકે નિવૃત થયા હતા અને તેમનું 3 વર્ષ અગાઉ મૃત્યુ થયું હતું.

સંજય સાધુના ભાઇ જગદીશ સાધુએ જણાવ્યું હતું કે, રાત્રે 10 વાગ્યે બીએસએફના જવાનો અમારા ઘરે આવ્યા હતા અને અમને દુઃખદ સમાચાર આપ્યા હતા. જોકે તેઓએ અમને કંઈ વધારે માહિતી આપી નહતી. મારા ભાઈ સંજયની પત્ની છે, બે છોકરી અને એક છોકરો ગાંધીનગરમાં રહે છે. તેઓએ થોડા સમય પહેલાં જ ગાંધીનગરમાં મકાન રાખ્યું હતું અને તહેવારોમાં વડોદરા આવતાં હતાં. પરંતુ અચાનક જ આ સમાચાર મળતાં અમારા પરિવાર દુ:ખી છે.

શહીદ જવાન સંજયના પરિવારમાં તેની પત્ની અંજનાબહેન સાધુ, બે દીકરીઓ શ્રદ્ધા(ઉ.વ.8) અને આસ્થા (ઉ.વ.4) અને પુત્ર ઓમ (ઉ.વ.1) હોવાનું પરિવારજનોએ જણાવ્યું હતું. સંજય શહીદ થયો હોવાની જાણ થતાં જ શહીદ જવાનનાં પત્ની અને બાળકો ગાંધીનગરથી વડોદરા ખાતે આવ્યાં હતાં. બુધવારે શહીદ જવાનના અંતિમ સંસ્કાર વડોદરા ખાતે કરવામાં આવશે.