Vadodara: રાજ્યમાં વધુ એક યુવાનનું હાર્ટ એટેકથી નિધન થયું છે. વડોદરાનો યુવક વૈષ્ણોદેવી દર્શને ગયો હતો. દર્શન કર્યા બાદ છાતીમાં દુખાવો ઉપડતાં ત્યાંજ મોતને ભેટ્યો હતો. યુવકને મૃતદેહ પ્લેન દ્વારા વડોદરા લાવવામાં આવશે. યુવકના નિધનના સમાચાર મળતાં જ પરિવારજનો શોકમગ્ન થઈ ગયા હતા.
10 મિત્રોનું ગ્રુપ ગયું હતું દર્શને
વડોદરાથી અમરનાથની યાત્રાએ ગયેલા 10 મિત્રોના ગ્રુપ પૈકીના 42 વર્ષના યુવાનને વૈષ્ણોદેવી ખાતે હાર્ટએટેક આવતા મોત નીપજ્યું હતું. યુવાન માતાજીના દર્શન કરીને બહાર નીકળ્યો હતો. જે બાદ તેને એકાએક છાતીમાં દુઃખાવો શરૂ થતાં સ્થળ પર જ ઢળી પડ્યો હતો. યુવાનના મૃતદેહને પ્લેન દ્વારા વડોદરા લાવવામાં આવી રહ્યો છે.
કેબલ ઓપરેટરનું કરે છે કામ
શહેરના પાણીગેટ કહાર મોહલ્લામાં રહેતો 42 વર્ષીય નીતિન ઈન્દલભાઈ કહાર કેબલ ઓપરેટરનું કામ કરે છે. 27 જૂનના રોજ તે તેના 10 મિત્રો અમરનાથની યાત્રા માટે વડોદરાથી નીકળ્યા હતા પરંતુ, નીતિનનું રજીસ્ટ્રેશન બાકી હોવાથી તે કટરા રોકાઈ ગયો હતો અને રજીસ્ટ્રેશન થયા પછી અમરનાથ જવા રવાના થવાનો હતો.
દર્શન બાદ છાતીમાં દુખાવો થયો
નીતિન તથા તેનો મિત્ર પ્રિન્સ કટરાથી વૈષ્ણોદેવી ચાલતા દર્શન કરવા નીકળ્યા હતા. વૈષ્ણોદેવી મંદિર પાસે જ દર્શન કર્યા પછી છાતીમાં દુઃખાવો શરૂ થયો હતો અને તે સ્થળ પર ઢળી પડ્યો હતો. નજીકમાં જ આવેલા ક્લિનિકમાં તેને સારવાર માટે તુરંત લઈ જવાયો હતો પરંતુ, ડૉક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો.
મિત્રોને જાણ થતાં જ યાત્રા અધૂરી છોડી પરત ફર્યા
નીતિનનું હાર્ટ એટેકથી મોત નીપજતાં પ્રિન્સ કહારે અમરનાથની યાત્રા માટે આગળ ગયેલા તેમના મિત્રોને આ અંગેની જાણ કરતા તેઓ અમરનાથની યાત્રા અધૂરી છોડીને રસ્તામાંથી જ પરત ફર્યા હતા. નીતિનને સ્ટ્રેચર પર વૈષ્ણોદેવી મંદિરેથી નીચે લાવવામાં આવ્યો હતો. કટરાથી તેના મૃતદેહને જમ્મુ કાશ્મીરની હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો.
થોડા દિવસ પહેલા વિરમગામના પીએસઆઈનું હાર્ટ એટેકથી થયું મોત
છેલ્લા થોડા સમયથી નાની વયના લોકોમાં હાર્ટએટેકનું પ્રમાણ વધ્યું છે. વિરમગામ શહેર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં પીએસઆઈનું હાર્ટ એટેકથી નિધન થયું છે. 45 વર્ષીય પીએસઆઈ કે.એન.કલાલને આજે સવારે હાર્ટ એટેક આવતાં તેમનું મોત થયું હતું. તેઓ છેલ્લા 10 મહિનાથી વિરમગામ શહેરમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવતા હતા. તેઓ અમદાવાદ શહેર એસોજીમાં પણ સેવા આપી ચૂક્યા છે. તેમના નિધનથી પોલીસબેડામાં શોકનો માહોલ છવાઈ ગયો છે.