Vintage car-show: આગામી 6થી 8મી જાન્યુઆરી-2023 દરમિયાન વડોદરાના લક્ષ્મીવિલા પેલેશ ખાતે એશિયાનો સૌથી મોટો વિંટેજ કાર-શો યોજાવા જઈ રહ્યો છે. આ વિંટેજ કાર-શોમાં સચિનના નવાબ દ્વારા રીસ્ટોર કરાયેલી વિંટેજ કાર પ્રદર્શનમાં મૂકાવા માટે પસંદગી પામી છે.  જોકે, આ કારના મૂળ માલિક શહેરના એડવોકેટ છે. આ બન્ને જીપ (કાર) વર્ષ-1941થી 1945 દરમિયાન વર્લ્ડ વોરમાં યુ.એસ આર્મી દ્વારા વાપરવામાં આવી હતી. આ વિંટેજ કાર-શોમાં સુરતના પાલનપુરના રહીશ એડવોકેટ કપીલ આર.આહિરની મૂળ માલિકીની વીલીસ સ્લેટ ગ્રીન (એમ.બી) અને ફોર્ડ કંપનીની એમ બે જીપકાર છે. આ બન્ને કારને સચિનના નવાબ ફૈસલખાન દ્વારા રીસ્ટોર કરાઈ છે જેમાં તેમની ટીમના અલગ-અલગ પાંચ વ્યક્તિઓ 7 વર્ષથી મહેનત કરી રહ્યાં હતાં.


નવાબ ફૈસલખાન જણાવે છે કે, આ જીપનો ઉપયોગ સેકન્ડ વર્લ્ડ વોરના સમયે 1941થી 1945 દરમિયાન યુ.એસ આર્મી (ડિફેન્સ) દ્વારા કરાતો હતો અને આ જીપને વીલીસ અને ફોર્ડ બે કંપનીઓ બનાવતી હતી. પાંચ વર્ષ ચાલેલાં વર્લ્ડ વોરમાં આ બન્ને કંપનીઓએ 5.70 લાખ જેટલી આ મોડેલની કારો બનાવી હતી. જેની ખાસીયત પણ અનેકઘણી છે. પાંચ વર્ષ બાદ આ જીપનું મેન્યુફેક્ચર બંધ કરી દેવાયું હતું. ત્યારબાદ કારના રસીયાઓએ કારને ઐતિહાસિક વાહન તરીકે વસાવ્યું હશે. તેમાની આ જીપને આજે રીસ્ટોર કરવામાં સાત વર્ષ જેટલો લાંબો સમય લાગ્યો છે. 


કારમાં જે સામાન હોવો જોઈએ તે જ નાંખવામાં આવ્યો છે, જે સામાન યુ.એસ કંપનીનો હતો તેને ત્યાંથી જ ઈમ્પોર્ટ કરાયો છે. ઉલ્લેખનીય છે કે, આટલાં સમય સુધી જ વલ્લેજ કોઈ પાસે જૂની ગાડીઓનો સામાન હોઈ શકે! માહિતી પ્રમાણે સચિનના નવાબ ફૈસલખાન પાસે વિંટેજ કારોનું મોટું કલેક્શન છે. ગાડીઓના શોખીનની શ્રેણીમાં આવતાં નવાબ ફૈસલ ખાનના સંપૂર્ણ માર્ગદર્શન હેઠળ આ બન્ને જીપ તૈયાર કરવામાં આવી છે. આ કાર બનાવવા માટે મુખ્ય ફોરમેન તરીકે 82 વર્ષીય મુર્તુજા મલેક અને તેમના સાથી મિત્રો પૈકી શોહેલ શેખ, અફઝલ શેખ, આસીફ શેખ, વસીમ શેખ અને યુનુસ પઠાણનો સિંહફાળો રહ્યો છે. 


મળતી વિગતો પ્રમાણે 1941થી 1945 દરમિયાન વપરાયેલી આ જીપની ખાસીયત પાંચ વર્ષ ચાલેલાં આ સેકન્ડ વર્લ્ડ વોરમાં વપરાયેલી આ જીપની ઓરીજનલ ડિઝાઈન વીલીસ કંપનીની છે. યુ.એસ આર્મીના ઓર્ડર મુજબ આ સેમ ડિઝાઈન યથાવત રાખીને ફોર્ડ કંપનીએ પણ આ જીપ બનાવી હતી.આ કારમાં માત્ર 3 ગીયર્સ, લેફ્ટ હેન્ડ સ્ટેયરીંગ, સ્પેશિયલ વાયરલેશ સેટ, એન્ટિ એરક્રાફ્ટ ગન, વીંચ સીસ્ટમ (1100 કિલોગ્રામ વજન ખેંચી શકે તેટલો પાવર એન્જિન જનરેટ કરે છે), લેથ મશીન સિસ્ટમ, કોમ્બેડ વ્હીલ રીમ્સ-મીટર ગેજ ટ્રેન (જીપના ટાયર કાઢી નાંખી તેને ટ્રેનના ટ્રેક ઉપર પણ દોડાવી શકાય તેવી ડિઝાઈન વ્હીલ રીમની છે). 


4 સિલિન્ડર યુક્ત પેટ્રોલ એન્જિન 57 એચ.પી જનરેટ કરે છે. આ જીપકારમાં માત્ર 6 વોટ્સ બેટરીનો ઉપયોગ થાય છે. ફોરવ્હીલ એન્જિન અને ફોરવ્હીલ બ્રેક ધરાવતી આ કાર કલાકના 60 માઈલ્સ એટલે 100 કિલોમીટરની ઝડપે ચાલે છે. આ ગાડીમાં પેટ્રોલ ટેંક બરાબર સીટની નીચે ગોઠવવામાં આવી છે. વળી પેટ્રોલ ટેંકની આજુબાજુનો અમુક હિસ્સો પાણીથી ભરેલો રખાતો જેથી રણની ગરમીમાં આ પાણી પેટ્રોલ ટેંકને સામાન્યત: ઠંડી રાખવામાં મહત્વની ભૂમિકા ભજવતું.