વડોદરા : કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ગુજરાત કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ ભરતસિંહ માધવસિંહ સોલંકી વધુ એક વિવાદમાં ફસાયા છે. ભરતસિંહ અને તેમનાં પત્ની રેશ્મા વચ્ચેના વિવાદમાં રેશ્મા ભરતસિંહ સોલંકીએ ફરી જાહેર નોટિસ આપી છે. આ નોટિસમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે ભરતસિંહ સોલંકીએ મનીષા નામની યુવતી અને અન્ય કેટલીક વ્યક્તિના ખાતામાં ૩ લાખ ડોલર ટ્રાન્સફર કરી દીધા છે.
રેશ્મા ભરતસિંહ સોલંકીએ જાહેર નોટિસમાં આક્ષેપ કર્યો છે કે, ભરતસિંહ તથા મારા નામે ભારતમાં અને અમેરિકામાં અનેક મિલકતો આવેલી છે. ભરતસિંહ સોલંકી સાથે વિવાદ થયા બાદ બોરસદ ખાતેના ઘરમાંથી મને કાઢી મૂકવામાં આવી હતી. મને મારા જીવનું જોખમ લાગતાં હું અમેરિકા આવી ગઇ છું. બેંક ઓફ અમેરિકામાં મારૂં પર્સનલ અને બિઝનેસ એકાઉન્ટ છે પણ આ એકાઉન્ટમાંથી ભરતસિંહ સોલંકીએ મારી જાણ બહાર મનીષા તથા અન્ય લોકોનાં ખાતામાં ૩ લાખ ડોલર (અંદાજે સવા બે કરોડ રૂપિયા) ટ્રાન્સફર કરી દીધા છે. આ નાણાં પરત નહી આવે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે એવી ચીમકી પણ તેણે આપી છે. મનિષા કોણ છે તે સ્પષ્ટતા રેશ્મા દ્વારા કરાઈ નથી.
રેશ્માએ આક્ષેપ કર્યો છે કે, મારા તથા ભરતસિંહના નામે જે સ્થાવર અને જંગમ મિલકતો છે તે મિલકતો કોઇ પણ વ્યક્તિએ સીધી કે આડકતરી રીતે ખરીદવી નહી. આ મિલકતો કોઇએ વેચાણે લીધી હશે તો તેની સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
જુલાઇ મહિનામાં ભરતસિંહ સોલંકીએ તેમના પત્ની રેશ્મા વિરૃધ્ધ જાહેર નોટિસ પ્રસિધ્ધ કરાવી હતી કે, મારી પત્ની રેશ્મા પટેલ મારા કહ્યામાં નથી. ચાર વર્ષથી અમે સાથે રહેતાં નથી. જવાબમાં રેશ્મા ભરતસિંહ સોલંકીએ પણ જાહેર નોટિસ મારફતે ખુલાસો કર્યો હતો કે, ભરતસિંહ કોરોનામાં ખૂબ બિમાર હતા ત્યારે મે તેમની ખૂબ સેવા કરીને તેમને પુનઃજીવન આપ્યુ છે. સાજા થયા બાદ છૂટાછેડા આપવા દબાણ કરી રહ્યા છે અને ઘરમાંથી કાઢી મૂકી છે.