છેલ્લા ઘણા સમયથી સતત વિવાદોમાં રહેતાં વાઘોડિયાના ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે. પાદરા ખાતે આયોજિત 'ગરીબ કલ્યાણ અન્ન યોજના'ના કાર્યક્રમમાં તેમની જીભ લપસી હતી. મધુ શ્રીવાસ્તવે અધિકારીઓને 14મું રતન બતાવવાની ધમકી આપતા ફરી  એક વખત વિવાદમાં સપડાયા છે.


આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, રાજ્યની રૂપાણી સરકારના 5 વર્ષની પૂર્ણાહુતિ નિમિત્તે ચાલી રહેલી ઉજવણીના ભાગરૂપે ચાલી રહેલી ઉજવણીનો આજે ત્રીજો દિવસ છે. આજના દિવસને રાજ્યકક્ષાએ 'અન્નોત્સવ દિવસ' તરીકે ઉજવવામાં આવી રહ્યો છે, ત્યારે વડોદરાના પાદરા તાલુકામાં પણ ગરીબ કલ્યાણ યોજના કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.


પાદરા ખાતે આયોજિત અન્નોત્સવ દિવસના કાર્યક્રમાં વાઘોડિયા તાલુકાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ ખાસ ઉપસ્થિત રહ્યાં હતા. અહીં સંબોધન દરમિયાન મધુ શ્રીવાસ્તવની જીભ લપસી ગઈ હતી. મધુ શ્રીવાસ્તવે વિધાનસભા ચૂંટણીમાં ભાજપ તરફી મતદાન કરવા માટે કહ્યું હતું, આટલું જ નહી તેઓએ ધમકીના સ્વરમાં કહ્યું હતું કે, જો અધિકારીઓ કામ ના કરે તો કહેજો, તેમને ચૌદમું રતન ના બતાડું તો મારું નામ મધુ શ્રીવાસ્તવ નહીં.


મધુ શ્રીવાસ્તવ અગાઉ પણ અનેક વખત વિવાદિત નિવેદનો આપી ચૂક્યા છે. અગાઉ સ્થાનિક સ્વરાજની ચૂંટણી દરમિયાન જનસભાને સંબોધવા દરમિયાન મધુ શ્રીવાસ્તવે એવો બફાટ કર્યો હતો કે, પોલીસ અને કલેક્ટરને તો હું મારા ખિસ્સામાં રાખુ છું. તેમના આ નિવેદન પર અનેક રાજકીય પાર્ટીઓએ વાંધો ઉઠાવ્યો હતો. 


કાલે રવિવાર હોવા છતા ગુજરાતમાં ચાલુ રહેશે કોરોના રસીકરણ


ગુજરાતમાં કોરોના રસીકરણ ચાલી રહ્યું છે, ત્યારે રાજ્યમાં રવિવાર અને બુધવાર એમ બે દિવસ રસી આપવામાં આવતી નથી. જોકે, ગત રવિવારે વેપારીઓ માટે ખાસ રસીકરણની વ્યવસ્થા કરવામાં આવી હતી. ત્યારે હવે આ રવિવારે પણ રસીકરણની પ્રક્રિયા ચાલું રહેશે. જોકે, આ રવિવારે જેમને બીજો ડોઝ બાકી હોય તેમને જ સ્પેશિયલ કેમ્પમાં રસી આપવામાં આવશે. 



નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, હાલ સમગ્ર રાજ્યમા કોરોનાની સ્થિતિ સારી છે. કેસો સતત ઘટી રહયા છે. અનેક ક્ષેત્રોમાં છૂટછાટ આપવામાં આવી રહી છે તેમજ વેકસીનેશનનું કામ પણ પુરજોશમાં ચાલી રહ્યું છે. આગામી રવિવારે જેમને બીજો ડોઝ બાકી છે તેવા જ વ્યક્તિઓ માટે સ્પેશ્યલ કેમ્પ કરવામાં આવશે. આ રવિવારે બીજા ડોઝ માટે વેકસીનેશનની કામગીરી ચાલશે.