વડોદરા: સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કહેર ફેલાયેલો છે ત્યારે શનિવારે વડોદરામાં જાહેર કરાયેલા કોરોનાના રિપોર્ટમાં કુલ 36 નવા પોઝિટિવ કેસો આવતાં શહેરમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધીને 95 પર પહોંચી ગઈ છે. ત્રણ દિવસ અગાઉ વડોદરામાં પોઝિટિવ કેસ 17 હતા જોકે તેમાં અચાનક 529 ટકાનો ઉછાળો આવ્યો છે. હવે વડોદરામાં પોઝિટિવ દર્દીઓમાં સંક્રમણ સ્થાનિક જ થઈ રહ્યું છે. અત્યાર સુધીના પોઝિટિવ દર્દીઓમાં 93 ટકા દર્દીઓમાં સ્થાનિક ચેપ જ લાગ્યો છે.

બીજી તરફ ક્લસ્ટર ક્વોરન્ટાઈન થયેલા વિસ્તારોમાં તંત્ર દ્વારા લોકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને કેટલીક છૂટછાટ આપવામાં આવી હતી. આજ સુધીમાં સૌથી વધુ કેસ વિસ્તાર મુજબ નાગરવાડાના સૈયદપુરાના છે. 90માંથી 48 કેસો નાગરવાડા સૈયદપુરાના છે. આજે નવા બે વિસ્તારો નાગરવાડાના આમલી ફળિયા અને નાગરજી મહોલ્લો ઉમેરાયો છે.

આમ કોરોના સંક્રમણ નાગરવાડામાં પણ મક્કમ ગતિએ વધી રહ્યું છે. આજ કારણસર નાગરવાડાના અન્ય મહોલ્લાઓ-ફળિયામાં પણ ફફડાટ ફેલાયેલો જોવા મળ્યો છે. આ ઉપરાંત અલકાવેલ્ડિંગ સામેના વિસ્તારમાં પણ લોકો કોરોનાના કહેરથી ફફડી ઊઠ્યા છે. છેલ્લા બે દિવસમાં આ વિસ્તારમાં પણ ડઝન જેટલા કેસો નોંધાયા છે.

શનિવારે આ વિસ્તારમાં પિતા અનવરહુસેન મલેક અને તેમનો 30 વર્ષનો પુત્ર ઈશાર તથા સેફિયા સૈયદ માતા તથા તેમનો 17 વર્ષીય પુત્ર સુફિયાન કોરોનાના સંક્રમણમાં સપડાયા છે અને શનિવારે જાહેર થયેલા પોઝિટિવમાં 3 વૃદ્ધો અને એક 12 વર્ષના બાળકને બાદ કરતા તમામ યુવાનો જ છે.