ફિરોઝની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નહીં હોવાથી આ કેસ લોકલ ટ્રાન્સમિશનનો હોવાની શંકા જતાં તંત્રએ તકેદારીના પગલા રૂપે પટેલ ફળિયા, નાગરવાડા અને મચ્છી પીઠના કેટલોક વિસ્તાર મળીને લગભગ 700 ઘરના વિસ્તારને રેડ ઝોન જાહેર કરીને ક્લસ્ટર ક્વોરેન્ટાઈન કરી દેવાયો છે. આ 700 ઘરના આશરે 3500થી વધુ લોકોને 14 દિવસ સુધી ઘરની બહાર નહીં નીકળવા માટે સ્પષ્ટ આદેશ આપી દેવામાં આવ્યો છે. તેમને જરૂરી તમામ ચીજ વસ્તુઓ તંત્ર દ્વારા તેમના દરવાજા સુધી પહોંચાડવામાં આવશે. આ નિયમનો ભંગ કરનાર સામે પાસા સુધીના પગલા લેવાય તેવી સૂચના પણ તંત્ર દ્વારા જાહેર કરવામાં આવી છે.
ગુજરાત સરકારના ખાસ ફરજ પરના અધિકારી વિનોદ રાવ અને મ્યુનિસિપલ કમિશનર નલિન ઉપાધ્યાયે આ વિસ્તારની મુલાકાત લીધી હતી અને આરોગ્ય વિભાગને ફિરોઝના ઘનિષ્ઠ સંપર્કમાં આવેલા લોકોને શોધવા માટે કામે લગાવ્યો હતો. જેમાં 26 લોકો મળી આવ્યા હતા તે તમામને ઈન્સ્ટિટયૂશનલ ક્વોરેન્ટાઇન કરાયા છે.
ફિરોઝ પઠાણના ઘનિષ્ઠ સંપર્કમાં આવેલા મચ્છીપીઠ, નાગરવાડા, કડુનીપાગા, નાગરવાડા, એમઇએસ સ્કૂલ અને સૈયદપુરા ઇંડાવાળાની ગલીમાં રહેતા તેના સંબંધીઓ એવા 70 લોકોને એમ્બ્યુલન્સ દ્વારા ઇન્સ્ટિટયૂશનલ ક્વોરેન્ટાઇનમાં દાખલ કરવામાં આવ્યા હતા. અહીં આ લોકોને 21 દિવસ સુધી રહેવું પડશે અને ડોક્ટરો તથા પેરામેડિકલ સ્ટાફ તેમની તબિયતની કાળજી રાખશે અને એ પણ ધ્યાન રાખશે કે તેમનામાં કોરોનાના લક્ષણો દેખાય છે કે નહી.
આ 70 વ્યક્તિઓ પૈકી 19ને આજવા રોડ લેપ્રીસ ગ્રાઉન્ડ સેન્ટર પર, 28 લોકોને એસએસજી હોસ્પિટલમાં અને 23ને ગોત્રી હોસ્પિટલમાં દાખલ કરાયા છે આ તમામના કોરોના વાયરસ સંબંધીત સેમ્પલો લઈને લેબમાં મોકલી આપવામાં આવ્યા છે.