વડોદરાઃ ગુજરાતમાં કોરોનાવાયરસના ચેપના કારણે વધુ એકનું મોત થયું છે. ગોધરાના 78 વર્ષીય વૃધ્ધ અબ્દુલ પટેલનું ગુરૂવારે મોડી રાત્રે વડોદરા શહેરની ખાનગી હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં કોરોના વાઈરસથી મોત થતાં મોતનો આંકડો 8 પર પહોંચ્યો છે. પંચમહાલ જિલ્લામાં કોરોનાવાયરસના કારણે મોતનો આ પહેલો કિસ્સો નોંધાયો છે.

ગોધરાના વેજલપુર રોડ પાણીની ટાંકી પાસે રહેતા 78 વર્ષીય વૃદ્ધ અબ્દુલ પટેલને કોરોના વાઈરસના લક્ષણો દેખાતા વાઘોડિયા રોડ પર આવેલી ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો. ટૂંકી સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું.

આ વૃધ્ધની અંતિમવિધી સમયે ઉગ્ર વિરોધ થયો હતો. વડોદરા શહેરના બહુચરાજી રોડ પર આવેલા માતરીયા કબ્રસ્તાનમાં મૃતકની દફનવિધિ સામે સ્થાનિક લોકોએ વિરોધ કર્યો હતો. મુંબઈમાં કોરોનાવાયરસના કારણે મોતને ભેટેલા વૃધ્ધ મુસ્લિમ હોવા છતાં તેમના અગ્નિસંસ્કાર કરાયા હોવાની દલીલ લોકોએ કરી હતી. આ મુદ્દે ભારે વિવાદ પછી બાદમાં પોલીસની સમજાવટથી મામલો થાળે પાડ્યો હતો.

પોલીસ તંત્ર દ્વારા બહુચરાજી રોડ માતરીયા કબ્રસ્તાન ખાતે તેમની દફનવિધિ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. સ્થાનિક રહીશો અને તેમના સગા સંબંધી સુધી આ વાત પહોંચી હતી. તેના કારણે મોટુ ટોળુ એકઠું થઈ ગયું હતું. લોકો દ્વારા તેમની દફનવિધિ ગોધરા ખાતે કરવાનો આગ્રહ રાખવામાં આવ્યો હતો. જો કે વહીવટી તંત્ર અને પોલીસ સમય સૂચકતા અને સમજણથી કામ લઇ સ્થાનિક રહીશોને સમજાવ્યા હતા. ત્યાર બાદ મરનાર વૃધ્ધ અબ્દુલ પટેલની દફનવિધિ માતરીયા કબ્રસ્તાન ખાતે કરવામાં આવી છે.