વડોદરા: દેશભરમાં કોરોના વાયરસને ફેલાવતો અટકાવવા માટે લોકડાઉન કરવામાં આવ્યું છે ત્યારે રાજ્યમાં કોરોના વાયરસના 39 પોઝિટિવ કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં સાત પોઝિટિવ કેસ નોંધાતા તંત્ર દોડતું થયું હતું. શ્રીલંકાના પ્રવાસે ગયેલા એક જ પરિવારના પાંચ સભ્યોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

શ્રીલંકાથી પરત આવેલા નિઝામપુરાના બિલ્ડરનો કોરોનાનો ચેપ પરિવારને લાગતાં અગાઉ ત્રણ સભ્યોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. બાદમાં મંગળવારે બિલ્ડરના પુત્રનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા વડોદરામાં કોરોના પોઝિટિવ કેસનો કુલ આંક 7 પર પહોંચી ગયો હતો.

SSGના આઇસોલેશન વોર્ડમાં 7 પોઝિટિવ વ્યક્તિની સારવાર ચાલી રહી છે. જેમાં મકરપુરાની ઋષિકેશ સોસાયટીના ચિરાગ હરીશ પંડિત , શૈલેન્દ્ર હસમુખ દેસાઇ , ભૂમિકા સમીર દેસાઇ , નિલિમા શૈલેન્દ્ર દેસાઇ, સારંગી શૈલેન્દ્ર દેસાઇ , સમીર શૈલેન્દ્ર દેસાઇ , રેખા નટવરભાઇ શેઠ નો સમાવેશ થાય છે. વડોદરામાં 40 લોકોને હોસ્પિટલમાં જ્યારે 450થી વધુ લોકોને ઘરે ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. તે સિવાય 1014 લોકોના સ્કીનિંગ કરવામાં આવ્યા છે.


ઉલ્લેખનીય છે કે, કોરોનાની સ્થિતિને જોતાં 14 એપ્રિલ સુધી દેશભરમાં લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. દેશમાં અત્યાર સુધી વાયરસથી સંક્રમિત 606 પોઝિટિવ કેસની પુષ્ટી થઈ છે. આ જીવલેણ વાયરસના કારણે અત્યાર સુધી ભારતમાં 11 લોકોના મોત થઈ ચૂક્યા છે. તેની વચ્ચે સારા સમાચાર એ છે કે, 43 લોકો રિકવર થઈ ચુક્યા છે.