વડોદરાઃ હાલ ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે. ત્યારે ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર ઈરફાન પઠાણ અને તેના ભાઈ યુસુફ પઠાણે કોરોના વાયરસની મહામારીનો સામનો કરવા માટે 4000 માસ્ક ડોનેટ કર્યાં છે. ભારત માટે 29 ટેસ્ટ અને 120 વન-ડે રમનારા ઈરફાન પઠાણે યુસફને ટેગ કરતા ટ્વિટ કર્યું હતું કે, સમાજ માટે અમારું યોગદાન આપી રહ્યા છીએ. જે લોકો પણ આવું કરી શકે છે તેઓ મહેરબાની કરીને આગળ આવે. એકબીજાની મદદ કરો પરંતુ ભીડ એકઠી ન કરો. તેણે આગળ લખ્યું હતું કે, આ એક નાનકડી શરૂઆત છે, આશા છે કે અમે વધારેમાં વધારે મદદ કરતા રહીશું. ઈરફાને તેની સાથે જ એક વીડિયો મેસેજમાં કહ્યું હતું કે, તેણે અને તેના ભાઈએ મહેમૂદ ખાન પઠાણ ચેરિટેબલ ટ્રસ્ટના નામે માસ્ક ખરીદ્યા છે. આ ટ્રસ્ટનું સંચાલન ઈરફાન અને યુસુફના પિતા કરે છે. તેમણે કહ્યું હતું કે, આ માસ્ક વડોદરા સ્વાસ્થ વિભાગને આપવામાં આવ્યા છે. તેઓ જરૂરિયાત ધરાવતાં લોકોને આ આપશે. ઉલ્લેખનીય છે કે ઈરફાન પઠાણે તાજેતરમાં જ તમામ પ્રકારના ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. હાલમાં તે કોમેન્ટ્રી કરી રહ્યો છે. નોંધનીય છે કે હાલમાં ભારતમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. જેને ધ્યાનમાં રાખતા ગુજરાત સરકારે સમગ્ર રાજ્યને 31 માર્ચ સુધી લોકડાઉન કરવાનો નિર્ણય લીધો છે. જોકે, આ દરમિયાન દૂધ, દવા અને અન્ય જીવન જરૂરિયાતની વસ્તુઓની દુકાનો ખુલ્લી રહેશે.