વડોદરાઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. બીજી તરફ મૃત્યુઆંક પણ સતત વધી રહ્યો છે. ત્યારે વડોદરાના વાસણા સ્મશાનમાં કોરોનાના દર્દીના અંતિમસંસ્કારને લઈને વિવાદ થયો છે. કોરોનાથી મૃત્યુ પામેલ દર્દીના અંતિમ સંસ્કાર કરવાના નિર્ણયને લઈ વિવાદ થઈ રહ્યો છે


સ્મશાનની આસપાસ રહેતા સ્થાનિકો કોરોનાથી મોતને ભેટેલી વ્યક્તિના અંતિમસંસ્કારનો વિરોધ કરી રહ્યા છે. સ્થાનિકો સ્મશાન પર પહોંચી ધરણાં યોજી નિર્ણય બદલવા માંગ કરી રહ્યા છે. ગઇ કાલે રાત્રે પણ સ્થાનિકોએ કોરોનાથી મૃત્યુ પામેલ દર્દીના અંતિમસંસ્કાર નહોતા કરવા દીધા.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના અત્યાર સુધીના સૌથી વધુ રેકોર્ડ બ્રેક 1026 નવા કેસ નોંધાયા છે. આ સાથે ગુજરાતમાં કુલ પોઝિટિવ કેસનો આંકડો 50 હજારને પાર પહોંચ્યો છે. રાજ્યમાં વધુ 34 લોકોના મોત થયા છે. 744 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં અત્યાર સુધી 36403 દર્દી સારવાર બાદ ડિસ્ચાર્જ થયા છે. રાજ્યમાં કુલ સંક્રમિત દર્દીઓની સંખ્યા 50465 પર પહોંચી છે.