દાહોદઃ ગઈ કાલે મુવાલીયા ગામે તળાવમાંથી યુવકની હત્યા કરાયેલી મળી આવેલી લાશ મામલે ચોંકાવનારી વિગતો સામે આવી છે. પોલીસે ગણતરીની કલાકોમાં જ હત્યાનો ભેદ ઉકેલી નાંખ્યો છે અને હત્યારા ભાણેજને જેલ હવાલે થયો છે. મામા-ભાણેજ એક જ યુવતીના પ્રેમમાં હતા. આ બાબતે બંને વચ્ચે તકરાર થતાં ભાણેજે મામાની હત્યા કરી નાંખી હતી.
આ અંગે મળતી વિગતો પ્રમાણે, ગઈ કાલે મુવાલીયા ગામના તળાવમાં શહેરના ગલાલીયાવાડના શ્યામ બુધારામ પારગીની લાશ તળાવના પાણીમાંથી મળી આવી હતી. મૃતક શ્યામને માથાના ભાગે પથ્થરના મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ અંગે મૃતકના પિતાએ દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ પણ નોંધાવી હતી.
પોલીસે ફરિયાદને આધારે ઝીણવટી ભરી તપાસ કરતાં મૃતક શ્યામનો કુટુંબી ભાણેજ અવાર નવાર તેના મામાના ઘરે ગલાલીયાવાડ ગામે આવતો જતો હતો. તેમજ તે આ ગામની એક છોકરીના પ્રેમમાં હતો. આ જ છોકરી સાથે તેના મામાને પણ પ્રેમસંબંધ હતા. મામા આ યુવતી સાથે એકાંત માણી રહ્યા હતા, ત્યારે ભાણેજ તેમને જોઇ ગયો હતો. જેને લીધી બંને વચ્ચે ઝઘડો પણ થયો હતો.
આ બાતમીને આધારે પોલીસ ભાણેજની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે. પોલીસે કડક પૂછપરછ તેણે જ હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. તેણે કબૂલાત કરતાં જણાવ્યું હતું કે, બંન્નેને એક જ છોકરીના પ્રેમ સંબંધ બાબતે બોલાચાલી થઈ હતી. આ બાદ તેણે મામાને મોતને ઘાટ ઉતારવા માટે પ્લાન ઘડી કાઢ્યો હતો.
આરોપીએ પોતાના જન્મ દિવસની ઉજવણીને બહાને મામાને પોતાના ઘરે બોલાવ્યા હતા. તેમજ બંને બાઇક લઈને મુવાલીયા ગામના તળાવ પર આવ્યા હતા. અહીં યુવકે મામાને તળાવમાં ધક્કો મારી દીધો હતો. મામાએ બહાર આવવાનો પ્રયાસ કરતાં તેમને પથ્થરના ઘા મારીને ત્યાં જ ઠાર કરી નાંખ્યા હતા. પોલીસે આરોપીની અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.