વડોદરાઃ વડોદરા શહેરની ખાનગી હોસ્પિટલમાં સારવાર લેતાં વૃધ્ધ મહિલાના કારણે પાંચેક લોકોને નવી જીંદગી મળશે. આ વૃધ્ધાને બ્રેઈન ડેડ જાહેર કરાતાં તેમના પરિવારે તેમના અંગોનું દાન કરી અન્ય લોકોને નવજીવન આપવાનો નિર્ણય લીધો હતો. ગુરૂવારે બપોરે સ્ટેટ ઓર્ગન એન્ડ ટિશ્યૂ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઇઝેશનને પરિવારના નિર્ણયની જાણ કરવામાં આવી હતી. રેલવે હોસ્પિટલના ડોક્ટર દિપાલી તિવારીએ ડોક્ટરની ટીમ સાથે હોસ્પિટલ પહોંચી જઇને ઓર્ગન ડોનેશનની પ્રક્રિયા પૂર્ણ  કરી હતી. સંસ્થાએ વિનંતી કરતાં પોલીસે ગ્રીન કોરિડોર કરી આપતાં વૃધ્ધાના ઓર્ગન સુરત લઇ જવામાં આવ્યા હતા.


આ ઘટનાની વિગત એવી છે કે, ડભોઇના મનાપોર ચકલા પાસે  રહેતા ઉત્તમલાલ શાંતિલાલ સલોટનાં પત્નિ રમીલાબેન (ઉ.વ.70) ઘરે હતાં ત્યારે બ્રેઈન સ્ટ્રોક આવતાં  દાદર  ચડતાં  પડી ગયાં હતાં. તેમને ગંભીર ઇજા થતાં તેમનો પુત્ર નિમેષ તેમને ગોરવા વિસ્તારની એક ખાનગી  હોસ્પિટલમાં સારવાર માટે લઇ આવ્યો હતો. સારવાર દરમિયાન રમીલાબેનને ફરીથી એક બ્રેઈન સ્ટ્રોક તેમજ હાર્ટ એટેક આવ્યો હતો. તેના કારણે રમીલાબેનના બચવાના ચાન્સ રહ્યો નહતો. ડોક્ટરે આ વાતની જાણ પરિવારને કરતાં તેમના પરિવારે ઓર્ગન ડોનેશનનો નિર્ણય કર્યો હતો. પરિવારની ઇચ્છા હતી કે,રમીલાબેનના અંગોથી અન્ય દર્દીઓને નવજીવન મળે.


રમીલાબેનના પરિવારે હોસ્પિટલના ડોક્ટર્સને જાણ કરતા હોસ્પિટલ દ્વારા સ્ટેટ ઓર્ગન એન્ડ ટિશ્યૂ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઇઝેશનને જાણ કરવામાં આવી હતી. રેલવે હોસ્પિટલના ડોક્ટર દિપાલી તિવારીએ ડોક્ટરની ટીમ સાથે હોસ્પિટલ જઇને ઓર્ગન ડોનેશનની પ્રક્રિયા પૂર્ણ કરી હતી. હવે રમીલાબેનનું લિવર,કિડની અને આંખોને અન્ય દર્દીઓમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવશે. ડોક્ટરોએ આપેલી માહિતી પ્રમાણે રમીલાબેનની આંખોને વડોદરામાં જ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવશે જ્યારે અન્ય ઓર્ગન સુરત મોકલવામાં આવ્યા છે.