Vadodara Rain:બંગાળાની ખાડીમાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ગુજરાતના ગુજરાતમાં છેલ્લા 4થી 5 દિવસથી વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના કારણે વિશ્વમીત્રી નદીનું પાણી શહેરમાં ઘુસી જતાં જનજીવન ખરાબ રીતે પ્રભાવિત થયું છે. અનેક વિસ્તાર જળમગ્ન થઇ જતાં બેટમાં ફેરવાઇ ગયા છે, આ સ્થિતિને જોતા ગરબા આયોજકોની પણ ચિંતા વધી છે.પાર્ટી પ્લોટ પાણીમાં ગરકાવ થઇ જતાં ગરબા આયોજકોની મુશ્કેલીમાં વધારો થયો છે. વડોદરાની આ સ્થિતિને જોતા સ્કૂલમાં પણ રજા જાહેર કરવામાં આવી છે. વરસાદ રોકાયાના કલાકો બાદ પણ વડોદરામાં જળબંબાકારની સ્થિતિ યથાવત છે. પ્રતાપનગર વિસ્તારની અનેક સોસાયટી જળમગ્ન બની છે. અમૃતવાડી વિસ્તારમાં ઘરોમાં ઘુંટણસમા પાણી ભરાઇ જતાં ઘરવખરીને નુકસાન થયું છે. ઘરવખરીનો સામાન પલળતા રહીશોને આર્થિક નુકસાન થયું છે. ચોમાસાનો આ પાછોતરો વરસાદ વડોદરા શહેર માટે આફરુપ બન્યો છે. જો કે હાલ વરસાદ રોકાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.
ઉલ્લેખનિય છે કે છેલ્લા 12 કલાકથી વડોદરા શહેરમાં વરસાદ રોકાતા શહેરીજનઓ રાહતનો શ્વાસ લીઘો છે. ઉપરવાસ વરસાદના કારણે વિશ્વામિત્રી નદીનું જળસ્તર સતત વધી રહ્યું હોવાથી શહેરમાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. જો કે ઉપરવાસ વરસાદનું જોર ઘટતા પણ શહેર પરથી પુરનો ખતરો ટળ્યો છે. જો કે સતર્કતાના ભાગરૂપ નીચાણવાળા વિસ્તારોમાંથી સ્થળાંતર કરવામાં આવ્યું છે. રવિવારે વરસેલા વરસાદથી વિશ્વામિત્રીનું જળસ્તર ખતરનાક રીતે વધ્યું હતું. આજવા સરોવર,વિશ્વામિત્રીની સ્થિતિને લઈને પ્રશાસન એલર્ટ જાહેર કર્યું છે. વડોદરાની તમામ સ્કૂલોમાં આજે રજા જાહેર કરવામાં આવી છે. શહેરની સ્થિતિને જોતા ફાયર અને NDRFની ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.
ચોમાસાની સિઝનમાં ક્યાં કેટલો વરસાદ વરસ્યો
10 વર્ષમાં રાજ્યમાં બીજી વાર આ વર્ષે ચોમાસાની સિઝનનો 45 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 48 ઈંચ સાથે 137 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.કચ્છમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 184.86 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. તો સૌરાષ્ટ્રમાં સિઝનનો 145.21 ટકા અને દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 140.60 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. ચોમાસાની સિઝનનો મધ્ય ગુજરાતમાં 131.63 ટકા તો ઉત્તર ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 113.95 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.
ચોમાસાની સિઝનમાં ક્યા ડેમ થયા ઓવરફ્લો
ધોધમાર વરસાદને લીધે રાજ્યના 207માંથી પૈકી 122 જળાશયો ઓવરફ્લો થયા છે. કચ્છ-સૌરાષ્ટ્રના 100 જળાશયો સંપૂર્ણ ભરાઇ ચૂક્યાં છે. તો મધ્ય ગુજરાતના 10 દક્ષિણ ગુજરાતના નવ અને ઉત્તર ગુજરાતના ત્રણ જળાશયો છલોછલ થયા છે. પાણીની ભરપૂર આવકથી રાજ્યના 179 ડેમ હાઈએલર્ટ,એલર્ટ અને વોર્નિંગ પર છે. 90 ટકાથી વધુ ભરાયેલા 158 ડેમ હાઈએલર્ટ, 80થી 90 ટકા ભરાયેલા 13 ડેમ એલર્ટ, જ્યારે 70થી 80 ટકા ભરાયેલા 8 ડેમ વોર્નિંગ પર છે.