વડોદરા: રાજ્ય સરકારે ગઈકાલે ફિક્સ પગારના કર્મચારીઓને 30 ટકા પગાર વધારાની જાહેરાત કરી હતી. જોકે વડોદરામાં આજે તેનો વિરોધ જોવા મળ્યો હતો અને સમાન કામ સમાન વેતનની માંગ કરવામાં આવી હતી.
સરકાર સરકાર દ્વારા રાજ્યભરના લાખો ફિક્સ પગાર વેતન ધરાવતા કર્મચારીઓને 30% નો પગાર વધારો જાહેર કર્યો હતો. વર્ગ ત્રણ અને વર્ગ ચાર ફિક્સ પગારના કર્મચારીઓમાં 30 ટકા પગાર વધારાને લઈને ખુશી જોવા મળી ન હતી. આજે નર્મદા ભુવન ખાતે અનેક કર્મચારીઓ લોલીપોપ, બેનર, પોસ્ટર અને સુત્રોચાર સાથે વિરોધ કરતા જોવા મળ્યા હતા. સાથે રાજ્ય સરકારે તેમને લોલીપોપ આપી હોવાનું જણાવી રહ્યા છે.
આ કર્મચારીઓએ લોલીપોપ સાથે પ્રદર્શન કર્યું હતું. કર્મચારીઓએ કહ્યું કે, અમારી પહેલેથી એક જ માંગ છે કે ફિક્સ પગારનો વેતન ન હોવો જોઈએ પરંતુ સમાન કામ સમાન વેતનનો પગાર તમામ કાયમી કર્મચારીઓને મળવો જોઈએ. જો આ માંગમાં યોગ્ય સમયમાં સરકાર તરફથી સહયોગ નહીં થાય તો રાજ્યમાં આંદોલનના મંડાણ થવાની ચીમકી પણ તેમણે ઉચ્ચારી હતી.
જાણો સરકારે શું કરી હતી જાહેરાત
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે મળેલી કેબિનેટ બેઠકમાં રાજ્યના ફિક્સ પગારના તમામ કર્મચારીઓના હિતમાં વધુ એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે આ મહત્વની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, રાજ્યના ફિક્સ-પગાર આધારિત 61,560 કર્મચારીઓના પ્રવર્તમાન વેતનમાં 30 % જેટલો વધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેની અમલવારી તા.1 લી ઓક્ટોબર 2023ની અસરથી કરવામાં આવશે.
આ અંગે ઋષિકેશ પટેલે વધુમાં તેમણે ઉમેર્યુ કે, ગુજરાતના વિકાસમાં રાજ્યના કર્મચારીઓનો ખુબ જ મહત્વનો ફાળો રહ્યો છે. દરેક સરકારી યોજનાઓના અમલીકરણ તથા તેના પર યોગ્ય દેખરેખ થકી છેવાડાના માનવી સુધી યોજનાકીય લાભ પહોંચાડવામાં કર્મચારીઓએ હંમેશા ચાવીરૂપ ભૂમિકા ભજવી છે. ત્યારે દિવાળી પૂર્વે લેવામાં આવેલા આ નિર્ણય રાજ્યના પ્રત્યેક ફિક્સ પગારના કર્મચારીઓ તથા તેમના પરિવારજનો માટે ખુશીની લહેર લાવશે તેવો વ્યક્ત કર્યો હતો. આ નિર્ણયથી વર્ગ-3ના 4400 ગ્રેડ પે ધરાવતા કર્મચારીઓનો પ્રવર્તમાન માસિક ફિક્સ પગાર રૂ. 38,090 થી વધીને રૂ. 49,600 થશે. ઉપરાંત વર્ગ-3 ના 4200 અને 2800 ગ્રેડ પે ધરાવતા કર્મચારીઓનો પ્રવર્તમાન માસિક ફિક્સ પગાર રૂ. 31,340 થી વધીને રૂ. 40,800 થશે.
વર્ગ-3 ના 2400, 2000, 1900 અને 1800 ગ્રેડ પે ધરાવતા કર્મચારીઓનો પ્રવર્તમાન માસિક ફિક્સ પગાર રૂ. 19,950 થી વધીને રૂ. 26,000 થશે. જ્યારે વર્ગ-4 ના 1650,1400 અને 1300 ગ્રેડ પે ધરાવતા કર્મચારીઓનો પ્રવર્તમાન માસિક ફિક્સ પગાર રૂ. 16,224 થી વધીને રૂ. 21,100 થશે. આ નિર્ણયથી રાજ્ય સરકારની તિજોરી પર વાર્ષિક રૂ.548.64 કરોડ રૂપિયાનું ભારણ વધશે.