વડોદરા: શહેરના માંડવી વિસ્તારમાં આવેલી વિજય વલ્લભ હોસ્પિટલમાં મોડી રાત્રે અચાનક આગ લાગી હતી. હોસ્પિટલમાં આગ લાગવાના કારણે ધુમાડો પ્રસરી ગયો હતો. જેથી હોસ્પિટલમાં દાખલ દર્દીઓ અને તેમના સગાઓમાં ભારે નાસભાગ મચી હતી. બનાવની જાણ થતાં ફાયર બ્રીગેડના લાશ્કરો  તાત્કાલીક સ્થળ પર પહોંચી ગયા હતા અને હોસ્પિટલમાં દાખલ દર્દીઓને રેસ્ક્યૂ કરી બહાર કાઢી અન્ય હોસ્પિટલમાં ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી રહીં છે.


 


શહેરના માંડવી વિસ્તારમાં આવેલા જમનાબાઇ હોસ્પિટલની સામે સાંકળી ગલીમાં આવેલા વિજય વલ્લભ હોસ્પિટલમાં રાત્રે 9 વાગ્યાના અરસામાં અચાનક આગ લાગી હતી. હોસ્પિટલમાં આગની ઘટના બનતા દર્દીઓ અને તેમના સગાઓમાં નાસભાગના મચી હતી. આગની જાણ થતાંની સાથે જ સ્થાનિકો દર્દીઓનો જીવ બચાવવા માટે દોડી આવ્યાં હતા. દરમિયાન ઘટનાની જાણ થતાં ફાયર બ્રીગેડના લાશ્કરો પણ ઘટના સ્થળે દોડી આવ્યાં હતા. જ્યાં ફાયર બ્રીગેડના લાશ્કરો દ્વારા દર્દીઓને રેસ્ક્યૂ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહીં છે.



હાલ મળતી માહિતી અનુસાર, હોસ્પિટલમાં અંદાજીત 40 જેટલા દર્દીઓ સારવાર હેઠળ હતા. દર્દીઓ સાથે તેમના સગાઓ પણ હોસ્પિટલમાં હાજર હતા. આગની ઘટના બનતાની સાથે જ દર્દીઓ અને તેમના સગાઓમાં ફફળાટ ફેલાયો હતો. જોકે સ્થાનિકો અને ફાયર બ્રીગેડના લાશ્કરો દ્વારા જીવના જોખમે દર્દીઓને બહાર કાઢી અન્ય હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં રહ્યાં છે. વિજય વલ્લભ હોસ્પિટલમાં કોવિડના દર્દીઓને પણ સારવાર આપવામાં આવી રહીં હોવાનુ જાણવા મળી રહ્યું છે.