વડોદરાઃ વડોદરામાં સીઆઈએસએફના જવાન સાથે પ્રેમલગ્ન કરનારી 25 વર્ષની યુવતીએ બહેનપણીના ઘરે નિર્વસ્ત્ર હાલતમાં ફાંસો ખાઈ લેતાં ખળભળાટ મચ્યો છે. આ યુવતી અને જવાન સાથે નોકરી કરતાં હતાં ત્યારે બંને વચ્ચે સંબંધ હતા પણ પછી યુવક સીઆએસએફમાં જતાં સંબંધ તૂટી ગયા હતા ને જવાને બીજે લગ્ન કરી લીધાં હતાં. આ લગ્નથી તેને બે સંતાન પણ છે. દરમિયાનમાં યુવતી સાથે ફરી પરિચય થતાં બંને વચ્ચે સંબંધ બંધાયા હતા ને પહેલી પત્નિ હોવા છતાં યુવકે તેની સાથે લગ્ન કર્યાં હતાં.


પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, અકોટા વિસ્તારમાં રહેતી યુવતી ઇલોરાપાર્ક વિસ્તારના મોલમાં નોકરી કરી હતી ત્યારે સાથે નોકરી કરતા રાહુલ કનુભાઇ પરમાર (રહે.નેલસુર ગામ,તળાવ ફળિયુ,તા.ગરબાડા જિ.દાહોદ) સાથે મિત્રતા હતી.  રાહુલને સી.આઇ.એસ.એફ.માં નોકરી મળતા  તેણે મોલની નોકરી છોડી દીધી હતી. રાહુલે અન્ય યુવતી સાથે લગ્ન કરી લીધા હતા.  લગ્નજીવન દરમિયાન બે સંતાનો છે.


થોડા સમય પહેલાં શીતલ અને રાહુલ વચ્ચે ફરીથી સંપર્ક થતાં બંને વચ્ચે સંબંધો બંધાયા હતા.  ગયા સપ્ટેમ્બરમાં શીતલ રાહુલ સાથે જતી રહી હતી. શીતલના પરિવારે ગોત્રી પોલીસ સ્ટેશનમાં નોંધ કરાવી હતી. પોલીસ શીતલને શોધી લાવી હતી અને પરિવારજનોએ રાહુલ સામે ફરિયાદ કરવાનુ જણાવતા શીતલે રાહુલને છોડી દીધો હતો.  રાહુલ પરત નોકરી પર જતો રહ્યો હતો. છેલ્લા  એક મહિનાથી બંને  વચ્ચે ફરીથી સંબંધ બંધાયો  હતો. રાહુલના કહેવાથી શીતલ ઘર છોડીને રાહુલ પાસે દિલ્હી જતી રહી હતી. બંનેએ ત્યાં લગ્ન કરી લીધા હતાં.




એક સપ્તાહ પહેલા રાહુલ રજા લઇને શીતલ સાથે વતન આવ્યો હતો. ગઇકાલે બંને ખરીદી કરવા  વડોદરા આવ્યા  હતા. શીતલની બહેનપણી યોગિતા કનોજીયાના ઘરે માંજલપુર દરબાર ચોકડી વૈકુંઠધામ ફ્લેટમાં રહેતા હતા. ગઇકાલે યોગિતા નોકરી  પર ગઇ હતી . રાહુલ પોતાની બાઇક લેવા માટે ઘરેથી નીકળ્યો હતો.અને શીતલ ઘરે એકલી હતી. સાંજે  તેની બહેનપણી યોગિતા ઘરે આવી અને દરવાજો ખોલીને જોયુ તો શીતલની લાશ નિર્વસ્ત્ર હાલતમાં લટકતી હતી.જેથી,તેણે તરત જ રાહુલને કોલ  કર્યો હતો. રાહુલ પણ તરત ઘરે દોડી આવ્યો  હતો.


માંજલપુર પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી.અને લાશને ઉતારીને પી.એમ.માટે મોકલી આપી હતી.પી.એમ.રિપોર્ટમાં પણ ફાંસો ખાવાના કારણે જ શીતલનું મોત થયુ હોવાનુ જાણવા મળ્યુ હતું.  પોલીસે યુવતીના વિશેરા પરીક્ષણ માટે મોકલી આપ્યા છે.