વડોદરા: વાઘોડિયાના પૂર્વ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ કેસરિયો ધારણ કર્યો છે. 26 દિવસ પહેલા ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું. આજે ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ સી.આર.પાટીલના હસ્તે કેસરિયો ધારણ કર્યો છે. આ અવસરે સાંસદ રંજનબેન ભટ્ટ પણ ઉપસ્થિત રહ્યા હતા. તમને જણાવી દઈએ કે, 2022 વિધાનસભા ચૂંટણી વખતે અપક્ષ તરીકે ચૂંટણી લડી હતી.ધર્મેન્દ્રસિંહ વાઘેલા વડોદરાની વાઘોડિયા બેઠકના અપક્ષ ધારાસભ્ય હતા. 25 જાન્યુઆરીના અપક્ષ ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું. 2022માં અપક્ષ તરીકે વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા.ભાજપના પૂર્વ ધારાસભ્ય અને દબંગ નેતા મધુ શ્રીવાસ્તવને હાર આપી હતી. વડોદરા ગ્રામ્યના બાહુબલી નેતા તરીકેની ધર્મેન્દ્રસિંહની ઓળખ છે. વિધાનસભા ચૂંટણીમાં સૌથી ધનવાન ઉમેદવાર હતા. તેઓ ક્ષત્રિય રાજપૂત સમાજમાં વર્ચસ્વ ધરાવે છે.


 






ધર્મેન્દ્રસિંહ આજે 15 હજારથી વધુ કાર્યકરો સાથે ભાજપમાં જોડાયા હતા. વાઘોડિયાના સર્કસ ગ્રાઉન્ડ ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો. હવે લોકસભાની ચૂંટણી સાથે વાઘોડિયા બેઠક પર પેટા ચૂંટણી યોજાશે.  ધર્મેન્દ્રસિંહ વાઘેલા ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડશે.


ધર્મેન્દ્રસિંહ વાઘેલાનું સંબોધન


બીજેપીમાં જોડાયા બાદ ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ કહ્યું કે, હું ભાજપમાં જોડાવવાનો છું તેવી વાત આખા ગુજરાતમાં ચાલતી હતી. મારા કાર્યકરો અને આખી કોર ટીમની લાગણી હતી. આજે સી.આર.પાટીલના હસ્તે મારી ઘર વાપસી થઈ છે. જ્યાં રામ વસતા હોય તેવા ઘરમાં વાપસી કોને ન ગમે. ભાજપ બીજી પાર્ટીઓની જેમ વાયદા પાર્ટી નથી. જે પાર્ટીમાં નરેન્દ્ર મોદી અને અમિત શાહ હોય તે પાર્ટીમાં ઘર વાપસી કોને ન ગમે. વાઘોડિયા વિધાનસભામાં કોઈ અન્ય પાર્ટીના બુથ જ નહીં લાગે. વાઘોડિયા વિધાનસભા અને લોકસભામાં દોઢ લાખની લીડથી વિજય મેળવીશું તેવું વચન આપું છું.


સીઆર પાટીલનું સંબોધન


તો આ અવસરે બીજેપીના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે કહ્યું કે, ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ આજે ઘર વાપસી કરી છે તે આનંદની વાત છે. આ લોકો જે આવ્યા છે તે બધા ધર્મેન્દ્રસિંહ સાથે આવેલ નથી મોટા ભાગના ભાજપના કાર્યકરો છે. અન્ય પાર્ટીના કાર્યકરો પણ ભાજપમાં જોડાયા છે. પોતાની પાર્ટીમાં તેમને ન્યાય નહિ મળતો હોય અથવા પાર્ટીની અવદશા નહીં જોઈ શકતા હોય એટલે ભાજપમાં આવી ગયા છે.