વડોદરા: માસ્ક યોગ્ય રીતે ન પહેરનાર બહેનને અટકાવી દંડ માગતા પૈસા આપવા પહોંચેલા પૂર્વ સાંસદ સત્યજીત ગાયકવાડને નવાપુરાના પીએસઆઇ પટેલે બે લાફા ઝીંકી દઈ ઘરે જઇ વોન્ટેડ બતાવાની ધમકી પણ આપી હતી.

અખિલ ભારતીય યુવક કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને માજી સાંસદ સત્યજીત ગાયકવાડના બહેન બુધવારે મોડી સાંજે ડ્રાઇવર સાથે કારમાં નીકળ્યા હતા. ત્યારે બગીખાના ત્રણ રસ્તા પાસે તેમનું માસ્ક નાક નીચે હોવાથી પોલીસે તેમને અટકાવી 1000નો દંડ ભરવા કહ્યું હતું. જો તેમની પાસે રૂપિયા ન હોય ભાઈ સત્યજિતને બોલાવ્યા હતા. સત્યજીત ગાયકવાડ રૂપિયા લઈને બગીખાના ત્રણ રસ્તા પાસે પહોંચ્યા હતા. જોકે ત્યાં હાજર પોલીસે પાવતી પુરી થઈ ગઈ હોવાનું કહી નવાપુરા પોલીસ સ્ટેશન આવવા કહક્યું હતું.

આ વાતનો સત્યજિત ગાયકવાડે વિરોધ કરતા પીએસઆઈ પટેલે ઉદ્ધતાઇભર્યું વર્તનકરી સત્યજીત ગાયકવાડને બે લાફા ઝીકી દીધા હતા. માસ્ક માટે પોલીસને દંડ આપવાની તૈયારી હોવા છતાં પોલીસે કડકાઈ બતાવી હતી અને એક તબક્કે માજી સાંસદના ઘરે પણ જઈને કેસ કરીને વોન્ટેડ બતાવીશ તેવી ધમકી આપી હોવાના આક્ષેપ કરવામા આવ્યા હતા.



જો કે, આ મામલે નવાપુરા પોલીસ દ્વારા કોંગ્રેસ નેતા અને પૂર્વ સાંસદ સત્યજીત ગાયકવાડ સામે કાર્યવાહી કરવામાં આવી છે. પૂર્વ સાંસદ સામે પીએસઆઈએ સ્ટેશન ડાયરીમાં નોંધ કરી સત્યજીત ગાયકવાડ પર ગાળાગાળી કરવા અને ઝપાઝપી કરવાનો આક્ષેપ કર્યો છે. આ ઉપરાંત સત્યજીત ગાયકવાડ પર બહેનના માસ્કના દંડના રૂપિયા ના ભરવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા સત્યજીત ગાયકવાડને પણ માસ્ક ન પહેરવાને લઈ પોલીસે 1000 રૂપિયાનો દંડ કર્યો હતો.