વડોદરાઃ મધ્યપ્રદેશના ધાર સીટી નજીક ઈન્દોર-અમદાવાદ નેશનલ હાઈવે પર વડોદરાના વડસર અને સમાના પરિવારને અકસ્માત નડ્યો હતો જેમાં ત્રણ મહિલા અને એક પુરૂષ સહિત 4 લોકોનાં મોત નિપજ્યાં હતાં. મૃતકોમાં પ્રવીણ પટેલ અને તેમના પત્ની અમિષા પટેલ, સુમિત્રા પટેલ, વર્ષા ઠાકુરનો સમાવેશ થાય છે. જ્યારે કાર ચલાવી રહેલા દીપક ઠાકુર નામના વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી હતી. અકસ્માત થતાં લોકોના ટોળાં વળી ગયા હતાં અને ટ્રાફિકજામના થઈ ગયો હતો.

વડોદરાના વડસરમાં રહેતો પરિવાર ઓમકારેશ્વરમાં સ્નાન અને દર્શન કરવા માટે જઈ રહ્યો તો તે દરમિયાન તેમની કાર ઉભેલા રેતીના ડમ્પરમાં ઘુસી જતાં આ અકસ્માત સર્જાયો હતો. ઉલ્લેખનીય છે કે, આ કરૂણાંતિકામાં પતિ-પત્ની અને બે બહેનોનાં મોત નિપજ્યાં હતાં.

અકસ્માત બાદ કેતનભાઈ પટેલે જણાવ્યું હતું કે, 26 નવેમ્બરે અમાસ હોવાથી અમે તમામ લોકો ઓમકારેશ્વરમાં નર્મદામાં સ્નાન કરીને ભગવાનના દર્શન કરવા માટે જઈ રહ્યા હતા. ત્યાર બાદ ઉજ્જૈનમાં મહાકાલના દર્શન કરવા જવાના હતા. અકસ્માત સમયે અમારી કાર લગભગ બે કિલો મીટર દૂર હતી.

વડોદરાના વડસર અને સમામાંથી બે કારમાં લગભગ 11 લોકો ઓમકારેશ્વર જવા નીકળ્યાં હતાં. આગળની કાર ધાર બાયપાસ પર ફોરલેન પર ઉભેલા રીતેના ડમ્પરમાં ઘુસી ગઈ હતી. ધાર પહોંચતા પહેલા પાછલી કારમાં સવાર મયુરભાઈએ રાજગઢના પોતાના પરિચિત નિરવ ભટ્ટને ફોન કર્યો હતો અને તેને ઉજ્જૈનના રૂટ અંગે પૂછ્યું હતું.

અકસ્માત એટલો ભયંકર હતો કે ડમ્પરનું પાછળનું બંપર કારમાં આગળ બેઠેલા પ્રવીણભાઇ સુધી પહોંચી ગયું હતું. ડ્રાઈવર તરફનો ગેટ લોક થઈ ગયો હતો જેના કારણે કારનો દરવાજો તોડવો પડ્યો હતો. પ્રવીણભાઈ જે તરફ બેઠા હતાં તે એરબેગ ફાટી ગઈ હતી પણ કાર ચાલક તરફની એરબેગ ફાટી ન હતી.