વડોદરાઃ વડોદરામાં માતા પિતાનું છત્ર ગુમાવનાર યુવતીને ભાભી બહુ પરેશાન કરતી હતી. ભાભીનો ત્રાસ સહન નહીં થતાં એકલી રહેવા ગયેલી યુવતીને બે સંતાનોના પિતા સાથે શારીરિક સંબંધો બંધાયા હતા. આ સંબંધોના કારણે યુવતી ગર્ભવતી બનતાં પ્રેમી તેને છોડીને ભાગી ગયો હતો. બીજી તરફ ગર્ભપાતનો સમય ના રહેતાં યુવતીએ લગ્ન વગર સંતાનને જન્મ આપીને કુંવારી માતા બનવાનો વારો આવ્યો છે. આ કેસમાં પોલીસમાં મામલો પહોંચતાં અંતે પ્રેમીએ સંતાનના ઉછેરની જવાબદારી ઉઠાવવાની ખાતરી આપીને સમાધન કર્યું છે.


વડોદરાના ડભોઇ રોડ વિસ્તારમાં રહેતી યુવતીના માતા પિતાનું થોડા સમય પહેલાં અવસાન થતાં યુવતી ભાઈ ભાભી સાથે રહેતી હતી. થોડો સમય સારી રીતે રહ્યા બાદ ભાભીએ હેરાનગતિ શરૂ કરતાં યુવતી ઘર છોડીને ભાડાના ઘરમાં રહેવા ગઇ હતી. યુવતી અહીં એક પરણીત પુરુષ ના સંપર્કમાં આવી હતી. બે બાળકોના યુવકે યુવતીના ઘરે અવરજવર ચાલુ કરી હતી. ખાનગી કંપનીમાં નોકરી કરતો યુવક યુવતીને મદદરૂપ થતો હોવાથી બંને વચ્ચે સંબંધો ગાઢ બન્યા હતા અને બંને શારીરિક સંબંધો બાંધીને જાતિય સુખ માણતાં હતાં.

આ સંબધોથી યુવતી પ્રેગનેન્ટ થઈ હતી પણ તેણે ભાઈ-ભાભીથી આ વાત છૂપાવી હતી. પ્રેમીએ તેને થોડો સમય ફેરવીને પછી જતો રહ્યાં. ત્યાં સુધીમાં ગર્ભપાત કરી શકાય તેમ નહોતો તેથી યુવતી લગ્ન વિના માતા બની હતી. યુવતી માતા બનતાં પ્રેમીએ મોઢું ફેરવી લીધું હતું અને તેના ઘેર આવજા બંધ કરી સંબંધો કાપી નાખ્યા હતા.

આ વાતની ખબર યુવતીના ભાઈને થતાં ભાઈએ યુવતી સાથે ઝઘડો પણ કર્યો હતો. મૂંઝાયેલી યુવતીએ અંતે અભયમ હેલ્પલાઈન પર ફોન કરીને મદદ માગતાં અભયમના કાઉન્સિલરે પ્રેમીને સમજાવી કાયદાકીય રીતે ગંભીર અપરાધ કર્યો હોવાની જાણ કરી તેને માંજલપુર પોલીસ સ્ટેશને બોલાવ્યો હતો. કાયદાકીય પગલાંથી બચવા પ્રેમીએ બાળકના ઉછેરની જવાબદારી લેવા તૈયારી દર્શાવી છે. જો કે આ ગુનો ગંભીર હોવાથી આ મુદ્દે કાયદેસરની કાર્યવાહી કરવી કે કેમ તેનો નિર્ણય યુવતી પર છોડવામાં આવ્યો છે.