વડોદરાઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પછી કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. રાજ્યના મહાનગરોમાં પણ કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. ત્યારે વડોદરામાં ફરી એકવાર કોરોનાનું સંક્રમણ વધતા વિદ્યાર્થીઓમાં ફફડાટ ફેલાયો છે. વધતા સંક્રમણ વચ્ચે સ્કૂલોમાં વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી છે.
ધોરણ 3થી 8 ના મોટાભાગના વિદ્યાર્થીઓ ઓનલાઈન પરીક્ષા આપી રહ્યા છે. હાલ સ્કૂલમાં આવનાર વિદ્યાર્થીઓની સંખ્યા માત્ર 10 ટકા છે. સ્કૂલોના શિક્ષણ કાર્ય બંધ થવાની શક્યતા છે. ફરજિયાત સ્કૂલમાં જવાનું હોવાથી શિક્ષકોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પછી કોરોનાએ ઉથલો માર્યો છે, ત્યારે રાજ્યના મહાનગરોમાં વકરી રહેલા કોરોનાને લઈને ગુજરાતની રૂપાણી સરકારે મોટો નિર્ણય લીધો છે અને જે તે શહેરમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે જરૂરી પગલા ભરવાની સત્તા મનપા કમિશ્નરોને આપવામાં આવી છે.
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં નાઇટ કર્ફ્યૂની મુદત ગઈ કાલે પૂરી થઈ ગઈ છે. આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળનારી હાઇપાવર કમિટીની મીટિંગમાં નાઇટ કર્ફ્યૂ અંગે નિર્ણય લેવામાં આવશે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, કોઈ કારણસર કમનસીબે ગુજરાતમાં ફરીથી કોરોનાના કેસો વધી રહ્યા છે. શહેરોનાં કમિશ્નરોને સૂચના આપી છે, પોતાના શહેરનાં નિર્ણયો કમિશ્નરો લઇ શકે છે. આજે ગ્રૂપની બેઠકમાં કર્ફ્યૂ અંગે કયો સમય રાખવો, કેટલો સમય રાખવો, કયા વિસ્તારોમાં રાખવો, બીજા શું પગલા લેવા તે અંગેનો નિર્ણય સાંજ સુધીમાં લેવામાં આવશે.
ગુજરાત કોરોના રસીકરણમાં ત્રીજા સ્થાને પહોંચી ગયું છે. સોમવારે વધુ 1 લાખ 7 હજાર લોકોને કોરોના વેક્સિન અપાતા રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 25 લાખ 85 હજારથી વધુ વ્યકિતને રસી મૂકવામાં આવી છે. 25 લાખ 85 હજાર પૈકી 20 લાખ 69 હજાર 918 લોકોને પ્રથમ ડોઝ તો 5 લાખ 15 હજાર 842 વ્યકિતને બે ડોઝ અપાઈ ચૂક્યા છે. ગુજરાતમાં ગઈકાલે સિનીયર સિટીઝન તેમજ 45થી વધુ વયે ગંભીર બિમારી ધરાવતા કુલ 89,138 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું હતું.
આ સિવાય ગઈકાલે 18,185ને કોરોના રસી આપવામાં આવી હતી. ગુજરાતમાં હાલ 10 લાખની વસતીએ સરેરાશ 36 હજાર 800 વ્યક્તિ કોરોના રસી લઇ ચૂક્યા છે. દેશના જે રાજ્યોમાં સૌથી વધુ વ્યક્તિઓએ કોરોના રસી લીધી હોય તેમાં રાજસ્થાન 29 લાખ સાથે મોખરે, મહારાષ્ટ્ર 28.30 લાખ સાથે બીજા, ગુજરાત ત્રીજા, પશ્ચિમ બંગાળ 24.40 લાખ સાથે ચોથા, ઉત્તર પ્રદેશ 23.20 લાખ સાથે પાંચમાં જ્યારે કેરળ 15.50 લાખ સાથે છઠ્ઠા સ્થાને છે.
નોંધનીય છે કે, ગઈકાલે રાજ્યમાં કોરોનાના 890 નવા કેસ નોંધાયા હતા જ્યારે 594 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. આજે કોરોના સંક્રમણથી રાજ્યમાં એક મૃત્યુ થયું છે. સુરત કોર્પોરેશનમાં 1 મોત થયું છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ 4425 લોકોના કોરોનાથી મોત થયા છે.
રાજ્યમાં અત્યાર સુધી 2,69,955 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 96.72 ટકા પર પહોંચ્યો છે. હાલ 4717 એક્ટિવ કેસ છે, જેમાંથી 56 લોકો વેન્ટિલેટર પર અને 4661 લોકો સ્ટેબલ છે.