વડોદરાઃ ગુજરાતમાં ધીમે ધીમે કોરોના દૈનિક કેસોમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે હવે વડોદરામાં સ્કૂલોમાં કોરોના ફેલાયો છે. નવરચના બાદ સંત કબીર સ્કૂલમાં કોરોનાની એન્ટ્રી થતાં વાલીઓમાં ફફડાટ ફેલાયો છે. સ્કૂલના શિક્ષિકા કોરોનાની ઝપેટમાં આવ્યા છે. પ્રાઈમરી વિભાગમાં ડાન્સ ટીચર તરીકે કામ કરતાં શિક્ષિકાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
સ્કૂલ મેનેજમેન્ટે વાલીઓને મેસેજ કરી જાણકારી આપી હતી. 16 થી 18 ડિસેમ્બર દરમિયાન ઓફલાઈન ક્લાસ બંધ કરાયા છે.
છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં કોરોનાના નવા કેસમાં વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 68 કેસ નોંધાયા હતા. તો બીજી તરફ 43 દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,17,687 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.71 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે એક પણ મોત થયુ નથી. આજે 2,94,532 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 20, વડોદરા કોર્પોરેશન 12, સુરત કોર્પોરેશનમાં 9, રાજકોટ કોર્પોરેશનમાં 7,ગાંધીનગર 5, નવસારી 5, જામનગર કોર્પોરેશનમાં 3, કચ્છ 2, વલસાડ 2, ભરૂચમાં 1, રાજકોટમાં 1 અને સુરતમાં 1 કેસ નોંધાયો હતો.
જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 580 કેસ છે. જે પૈકી 06 વેન્ટીલેટર પર છે, જ્યારે 574 નાગરિકો સ્ટેબલ છે. 8,17,687 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10100 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે.
ગુજરાતમાં ઓમિક્રોનનો વધુ એક કેસ સામે આવ્યો છે. વિજાપુર ખાતેના એક મહિલાનો ઓમીક્રોન રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. વિદેશની ટ્રાવેલ હિસ્ટ્રી ન ધરાવનાર એક બહેન પોઝિટિવ આવ્યા છે. ઝિમ્બાવેથી આવેલ એક વ્યક્તિના સંપર્કમાં બહેન આવ્યા હતા. કોન્ટેકટ ટ્રેસિંગ કરતા ઝિમ્બાબ્વેથી આવેલ વ્યક્તિ નેગેટિવ જ્યારે કોન્ટેકટમા આવેલ બહેન પોઝિટિવ આવ્યા છે.